અમદાવાદઃ વર્તમાન સમયમાં ભારત દેશમાં લોકડાઉનનો સમય વધારવામાં આવ્યો છે અને લોકોને સુરક્ષા અને સલામતી માટે ઘરમાં રહેવાની અપીલ કરવામાં આવી છે ત્યારે આ વિપરીત પરિસ્થિતિમાં આયુષ મંત્રાલય દ્વારા ઘરમાં રહીને લોકોને ધ્યાન અને યોગ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે.
સમર્પણ ધ્યાનયોગ સંસ્કારના પ્રણેતા શિવકૃપાનંદ સ્વામીજી દ્વારા લોકોને સરકારના આદેશનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે અને એટલે જ આ કપરા સમયમાં લોકો ઘરે રહીને ધ્યાન શીખી શકે તે માટે યુ ટ્યૂબના માધ્યમથી સમર્પણ ધ્યાનયોગ મહાશિબિરનું પ્રસારણ કરવામાં આવ્યું છે. સમર્પણ ધ્યાનયોગ સંસ્કાર દ્વારા લોકોને ઘેર બેઠા ધ્યાનનો લાભ મળી શકે તે માટે આઠ દિવસીય શિબિરનું પ્રસારણ કરવામાં આવી રહ્યું છે.
દેશવિદેશમાં પ્રચલિત અને અનુભૂતિ પર આધારીત આ સરળ ધ્યાન પદ્ધતિ અપનાવી લોકો શારીરિક અને માનસિક સંતુલન સાધી શકે છે. સ્વામીજી કહે છે કે નિયમિત 30 મિનિટનું ધ્યાન કરીને કોઈ પણ વ્યક્તિ સર્વાંગી વિકાસ સાથે આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત કરી શકે છે. સમગ્ર વિશ્વમાં નિઃશુલ્ક યોજાતી અને હાલ યુ ટ્યૂબ પર પ્રસારિત થતી શિબિરને અસાધારણ પ્રતિસાદ મળ્યો છે. અસંખ્ય લોકો આ શિબિરમાં દ્વારા ધ્યાન શીખી આત્મકલ્યાણ અને આત્મજાગૃતિના માર્ગને અપનાવી રહ્યા છે અને એટલું જ નહીં પણ ધ્યાન દ્વારા લોકો ઘરમાં રહીને પોતાની જાતને સ્વસ્થ, સુરક્ષિત અને સલામત મહેસૂસ કરે છે, એટલે જ વધુ એક આત્મજ્ઞાન શિબિરનું પ્રસારણ કરવામાં આવશે.
આગામી તા.23 એપ્રિલ થી 30 એપ્રિલ, 2020 દરમિયાન બપોરે 4 વાગ્યાથી યુ ટયૂબ પર સમર્પણ ધ્યાનયોગની વેબસાઈટ પરથી 2006ની સાલમાં સુરતમાં યોજાયેલી મહાશિબિરનું પ્રસારણ કરવામાં આવશે. આ શિબિરમાં જાતિ, ધર્મ, ભાષા, દેશ કે લિંગના ભેદભાવ વિના કોઈ પણ વ્યક્તિ જોડાઈ શકે છે.
.