કાંકરિયા દુર્ઘટનામાં ચોંકાવનારી વિગતો બહાર આવી, 6 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો…

અમદાવાદઃ કાંકરિયાના એડવેન્ચર પાર્કમાં રાઈ તુટી પડવાની ઘટનાએ હાંહાકાર મચાવી દીધો છે. ત્યારે આ દુર્ઘટના બાદ તંત્ર દોડતું થઈ ગયું હતું. આ ઘટનામાં તપાસ બાદ અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે. અત્યારે પોલીસે 6 લોકો સામે ગુનો નોંધ્યો છે. આ લોકો વિરુદ્ધ IPC કલમ 304,114 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.

પોલીસે રાઇડના સંચાલક, ઓપરેટર અને મેનેજ સામે કાંકરિયા પાર્કના મેનેજર ચિરાગ પટેલની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે. રાઇડ તૂટી પડવાના મામલે પોલીસે ડાયરેકટર ઘનશ્યામ પટેલ,પુત્ર ભાવેશ પટેલ મેનેજર તુષાર ચોકસી, ઓપરેટર યશ ઉર્ફે વિકાસ ઉર્ફે લાલા મહેન્દ્ર પટેલ તથા કિશન મહંતી, હેલ્પર મનીષ વાઘેલા સામે ફરિયાદ નોંધી છે, આરોપીઓ સામે આઈપીસી 304 (મનુષ્યવધ) અને 114 (ઘટના વખતે એક કરતા વધુ લોકો હાજર હોય) કલમ હેઠળ ગુનો નોંધાયો છે.

બનાવની તપાસ કરતા માહિતી સામે આવી છે કે આ રાઈડના સંચાલકો દ્વારા રીતસરની બેદરકારી દાખવવામાં આવી છે. જે રાઈડ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી, તે રાઈડ એસેમ્બલ્ડ હતી અને એટલે તેનો વિમો પણ મળ્યો નહોતો. જર્મન પાર્ટ્સની આ રાઈડનું વજન 30 થી 100 ટન જેટલું હતું અને નિયમ અનુસાર દર સોમવારે આ રાઈડનું ઈન્સ્પેક્શન કરી ફિટનેસ સર્ટીફિકેટ આપવામાં આવતું હોય છે. રાઇડના જોઇન્ટમાં 6 દિવસ પહેલાં જ ખામી જણાઈ હતી પરંતુ મેઇન્ટેનન્સના નામે આંખ આડા કાન કરાયા હોવાના કારણે આ ગોજારી દુર્ઘટના ઘટી હતી.

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કાંકરિયા અકસ્માતની કરુણ ઘટના પર દુખ વ્યક્ત કર્યુ હતુ. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, આ મામલે તપાસના આદેશ આપી દેવાયા છે. જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી થશે. તેમજ ભવિષ્યમાં આવી ઘટનાઓ ઘટે નહીં તે માટે પગલાં લેવાશે. મુખ્યપ્રધાને કાંકરિયા કેસ મામલે ઊંડી તપાસની પણ ખાતરી આપી છે. તેમણે કહ્યું કે, અમદાવાદની કાંકરિયાની ઘટના બાદ રાજ્યમાં આવી કોઈપણ રાઈડ્સની મંજૂરી આપતા પહેલા તમામ પાસાની તપાસ કરવામાં આવશે.

તો બીજી તરફ, હવે સૌરાષ્ટ્રમાં પણ સાતમ-આઠમના મેળા ભરાશે, જેમાં આવી રાઈડ લગાવાશે તે વિશે મુખ્યપ્રધાને કહ્યું કે, સાતમ આઠમના મેળાઓમાં પણ આ પ્રકારની નાની મોટી રાઈડ ચાલતી હોય છે, ત્યારે પૂરતી ચકાસણી સાથે તેમને મંજૂરી આપવામાં આવશે. વખતો વખત તેનું નિરીક્ષણ અને તપાસ થાય તેવા પગલાં લેવામાં આવશે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં સાતમ આઠમના મેળા યોજાય છે તેમાં ખાસ તકેદારી રાખવામાં આવશે. મંજૂરી આપ્યા પછી નિયમિત તેની તપાસ નહિ થાય તો તેના પણ પગલાં ભરવામાં આવશે.

ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ આજે કાકરીયા સ્થિત બાલવાટીકા- એમ્યુજમેન્ટ પાર્કમાં રાઇડ તુટવાના પગલે સર્જાયેલી દુધર્ટનામા ઇજાગ્રસ્ત લોકોનેL.G હોસ્પીટલ ખાતે મુલાકાત લીધી હતી. ઘટનાની સમીક્ષા બાદ પ્રદિપસિંહે જણાવ્યું હતું કે એમ્યુઝમેન્ટ પાર્કમાં અકસ્માતે રાઈડ તૂટી હતી .આ રાઇડની  ક્ષમતા ૩૨ લોકોની હતી તે પૈકી ૩૧ લોકો તેમાં સવાર હતા. આ અકસ્માતથી બે લોકોના મૃત્યુ થયા છે અને ૨૯ લોકો એલ.જી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ઘટનાના સમાચાર મળતા જ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન અને ફાયર બ્રિગેડ તથા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને જેઓ ઈજાગ્રસ્ત થયા છે તે લોકોને સત્વરે સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.સાંજે ૫.૫૦ કલાકે ઘટના બની અને તરત જ ૬.૧૫ કલાકથી સમગ્ર તંત્ર હોસ્પિટલમાં  ખડે પડે હતુ. તેમણે જણાવ્યું કે મુખ્યપ્રધાન અમદાવાદ મહાનગરપાલિકા તથા પોલીસ તંત્રના સતત સંપર્કમાં છે અને ઈજાગ્રસ્ત લોકોને જેટલી જરૂર હોય તેટલી તમામ સારવાર આપવા તંત્રને તાકીદ કરી છે. ઈજાગ્રસ્તોની સારવારનો સંપૂર્ણ ખર્ચો અમદાવાદ મહાનગરપાલિકા આપશે.