ગાંધી-આશ્રમથી શરૂ થનારી દાંડીયાત્રામાં PM મોદી પણ જોડાશે

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશની આઝાદીનાં 75 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આઝાદી કા અમૃત મહોત્સવની રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો 1ર માર્ચે અમદાવાદના સાબરમતી આશ્રમથી પ્રારંભ કરાવશે. વડા પ્રધાન 21 દિવસની દાંડીયાત્રાને ફલેગ ઓફ કરશે અને તેઓ પદયાત્રામાં થોડો સમય ચાલશે. આ યાત્રા અમદાવાદના સાબરમતીથી રવાના થશે. આ દાંડીયાત્રા માટે તંત્ર દ્વારા આખા દાંડીરૂટ પર જોરશોરમાં તૈયારીઓ અને સાફસફાઈ આરંભી દેવામાં આવી છે.

વડાપ્રધાન આ માટે ખાસ અમદાવાદ આવશે, આ યાત્રામાં 81 ગાંધી અનુયાયીઓ જોડાશે અને 1930માં ઐતિહાસિક દાંડીયાત્રા સમયે મહાત્મા ગાંધીએ જે માર્ગો પર આ યાત્રા યોજી હતી એ માર્ગ પર જ આ યાત્રા આગળ વધશે. આ માટે સાબરમતી આશ્રમ નજીક જ સ્વ. વડા પ્રધાન મોરારજી દેસાઈનો જે સમાધિ ‘અક્ષર ઘાટ’ છે ત્યાં એક ખાસ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે.

રાજ્ય સરકારે હાલમાં જ અમદાવાદના સાબરમતી આશ્રમના નવીનીકરણનો પ્રોજેકટ પ્રારંભ કરવા નિર્ણય લીધો છે, જે માટે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને એક કમિટીની રચના કરવામાં આવી છે, જેમાં રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન, સાંસદ કિરીટ સોલંકી ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાના ગાંધી વિચારધારાના મહાનુભાવો ગાંધી આશ્રમના સંચાલકો, ટૂરિઝમ ડેવલપમેન્ટ કોર્પો.ના તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પો.ના અધિકારીઓને સામેલ કરવામાં આવ્યા છે.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ 12 માર્ચ, 1930એ અમદાવાદના સાબરમતી આશ્રમથી  અંગ્રેજો દ્વારા મીઠા પર લગાવવામાં આવેલા કરના વિરોધમાં દાંડીયાત્રા કાઢી હતી. દાંડીયાત્રા સતત 24 દિવસ સુધી ચાલી અને 6 એપ્રિલના રોજ દાંડી ગામમાં  યાત્રા પૂર્ણ કરી હતી.