PM મોદીએ જૂની યાદ તાજી કરતી તસ્વીરો શેર કરી

અમદાવાદ– ગુજરાતમાં ભાજપની સતત છઠ્ઠી વાર સરકાર બની છે, આજે સીએમ પદે વિજય રૂપાણીએ જ્યારે શપથ લીધાં ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યાં હતાં. આ ભવ્ય સમારોહને જોઈને પીએમ મોદીના ચહેરા પર ખુશી છલકતી હતી. ત્યાર બાદ પીએમ મોદીએ ટ્વીટ કરીને પોતાની ખુશી શેર કરી હતી.પીએમ મોદીએ શપથ સમારોહ પુરો થયા પછી ટ્વીટર પર 2001, 2002, 2007 અને 2012માં સીએમ પદે તેમણે લીધેલા શપથગ્રહણની તસ્વીરો શેર કરી હતી, અને એ અદભુત પળોને યાદ કરી હતી, આ તસ્વીરોમાં તેમની સાથે ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયી, લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશીની સાથે રોડ શો અને રેલી કરતાં દેખાય છે. પીએમ મોદી પોતે ગુજરાતના સીએમ તરીકે ચાર વખત શપથ લીધા હતા.

પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે હું ફરીથી એક વાર ગુજરાતના લોકોનો આભાર વ્યક્ત કરું છું, જેમણે ભાજપને આ રાજ્યની સેવા કરવાનો અવસર આપ્યો છે. ગુજરાત અને બીજેપી વચ્ચે ખાસ સંબધ બંધાયેલો છે. હું ગુજરાતી ભાઈઓ અને બહેનોને વચન આપું છું કે આપણે આગળ વિકાસશીલ ગુજરાતમાં કોઈ કસર નહી છોડીએ. શપથગ્રહણને ખાસ બનાવવા માટે ભાજપે પુરી તૈયારી કરી હતી.