અમદાવાદઃ રાજ્યમાં નર્મદા નદીનું પાણી જીવાદોરી સમાન છે. હાલ, રાજ્યનાં ઘણાં ગામડાં અને નાનાં-મોટાં શહેર નર્મદાનાં પાણી પર જ નભી રહ્યા છે. નર્મદા નદીમાંથી કેનાલો અને પાઇપલાઇન દ્વારા સિંચાઈ તેમ જ પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માઇલો સુધી પથરાયેલી પાઇપો અને કેનાલોમાં લીકેજ અને ગાબડાં પણ પડવાની ઘટનાઓ બને છે. કેટલીક કેનાલનાં ગાબડાં અને પાઇપોની સિસ્ટમના લીકેજ માનવ સર્જિત પણ હોય છે.
અસંખ્ય લીટર પાણી વહી જતું અટકાવવા તંત્ર દોડતું થઈ જાય છે. અમદાવાદના 200 ફૂટ રિંગ રોડ પર આવેલા શીલજ સર્કલ પાસે છેલ્લાં ઘણાં સપ્તાહથી પાણી સપ્લાયની સિસ્ટમ લીકેજ છે. અત્યંત વિકસિત શીલજ વિસ્તાર આધુનિક રેસ્ટોરાં અને કાફેથી ઘેરાયેલો છે. આ વિસ્તારમાં લીકેજ પાણીની સિસ્ટમ પર સૌની નજર પડે એમ છે. આસપાસમાં રહેતા શ્રમિકો આ લીકેજ વાલ્વ નીચે કેરબા અને ડોલો મૂકી પાણી પણ ભરે છે. આસપાસ પાણીનાં ખાબોચિયાં પણ થયાં છે. આ જ માર્ગ પર ભાડજ-ઓગણજ પાસે પણ વાલ્વ લીકેજ છે, જ્યાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.
એક સમયે નર્મદા કેનાલ અને પાઇપોમાંથી પાણી ચોરી અટકાવવા પોલીસ પેટ્રોલિંગ શરૂ કરવું પડ્યું હતું..જ્યારે આ પાઇપ લીકેજ મુખ્ય માર્ગો પર જ છે. કાળઝાળ ગરમીમાં કેટલાક વિસ્તારો પાણી વગર ટળવળે છે. ત્યારે કેટલાય સમયથી લીકેજ પાણીની સિસ્ટમ જવાબદારોના ધ્યાન પર આવતી નથી.
(પ્રજ્ઞેશ વ્યાસ)