અમદાવાદઃ પરિક્ષા દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન વ્યવસ્થિત રીતે થાય, તે હેતુથી તેનું આયોજન કરવામાં આવે છે. ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી દ્વારા લેવાતી તમામ પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ ઉત્તમ રીતે પોતાનું પ્રદર્શન કરી શકે, તે હેતુ માટે જીટીયુનું પરીક્ષાતંત્ર સતત પ્રયત્નશીલ હોય છે. આ સાથે જ, વિદ્યાર્થીઓ કોઇ પણ પ્રકારની કોપી ન કરે અને બીજા કોઇ વિદ્યાર્થીને અને નુકશાન ન થાય, તથા સમગ્ર પરીક્ષા વ્યવસ્થા પારદર્શક અને સ્પષ્ટ બને, એ રીતે એનું આયોજન કરવામાં આવે છે. સ્ક્વોર્ડ અને ઓબ્ઝર્વર દ્વારા પરીક્ષા દરમ્યાન પણ સતત ચાંપતી નજર રાખવામાં આવતી હોય છે. અને આ ઉપરાંત, જ્યારે કોપી કેસ બને છે, ત્યારે જીટીયુ દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે છે.
ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલી વર્ષ – 2019ની ઉનાળું સત્રની પરીક્ષામાં કોપી કેસ દરમ્યાન પકડાયેલા વિદ્યાર્થીઓને અનફેર મિન્સ કમિટી (યુએફએમ)ની સમક્ષ તારીખ – 25/26/27 જૂન, 2019 દરમ્યાન હાજર કરવામાં આવ્યા હતા. આ કમિટી દ્વારા કુલ 264 વિદ્યાર્થીઓને પેનલ્ટી કરવામાં આવી છે.
કોઇપણ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ કોપી કેસમાં પકડાય, એ પછી તેમને યુએફએમની કમિટી સમક્ષ હાજર કરવામાં આવે છે, અને વિદ્યાર્થીઓનો પક્ષ સાંભળ્યા પછી તેમને યોગ્ય પેનલ્ટી સંભળાવવામાં આવે છે. આ વર્ષે પણ યુએફએમની ફેઝ – 1ની બેઠક બાદ કુલ 264 વિદ્યાર્થીઓને હાજર કરવામાં આવ્યા હતા. આ તમામમાંથી 3 વિદ્યાર્થીઓને કોઇ પણ પ્રકારની પેનલ્ટી કરવામાં આવી નથી. જ્યારે 2 વિદ્યાર્થીઓને લેવલ – 4ની પેનલ્ટી હેઠળ 3 વર્ષ સુધી કોઇ પણ પરીક્ષામાં ન બેસવા દેવાની પેનલ્ટી કરવામાં આવી છે. તેમનું જે-તે વિષયનું રિઝલ્ટ પણ કેન્સલ કરવામાં આવ્યું છે.
લેવલ – 1 અંતર્ગત 21 વિદ્યાર્થીઓને જે-તે વિષયમાં નાપાસ કરવામાં આવ્યા છે. અને લેવલ – 2માં 105 વિદ્યાર્થીઓના તમામ વિષયોના પરિણામ રદ કરવામાં આવ્યા છે. લેવલ – 3માં 133 વિદ્યાર્થીઓના તમામ વિષયના રિઝલ્ટ રદ કરીને આવનારા 3 વર્ષ સુધી તેમને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં.