કોંગ્રેસ પોતાના MLA લઈ જશે આબુ, તો ભાજપે કહ્યું આ ‘અવિશ્વાસ પ્રવાસ’ છે

અમદાવાદઃ ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી નજીક આવતાં જ રાજકારણના અખાડામાં નવાનવા દાવપેચ જોવા મળી રહ્યાં છે. હવે નવી ખબર એ છે કે કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને આબુ લઈ જવાની તૈયારી કરી રહ્યો છે. રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે રાજ્યસભાની ચૂંટણીને લઈને પોતાના તમામ MLA સલામત રાખવા કોંગ્રેસ દ્વારા આબુ લઈ જવાઈ રહ્યાં છે. બેંગલોર બાદ ગુજરાત કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને બચાવવા માટે આબુ લઇ જવાની તૈયારીઓ કરી રહ્યું છે.

રાજયસભાની ચૂંટણી પહેલા તમામ ધારાસભ્યોને આબુ લઇ જવાની વાતને કોંગ્રેસના દંડક અશ્વિન કોટવાલે સમર્થન આપ્યું છે. અશ્વિન કોટવાલે જણાવ્યું કે, અમે બધાં ધારાસભ્યો આબુ જવાના છીએ. અમારા 1- 2 ધારાસભ્યોને છોડીને અન્ય કોઈ ધારાસભ્યો નહીં તૂટે તેની અમને પુરેપુરી ખાતરી છે. તેમણે જણાવ્યું હતું કે, પરેશ ધાનાણીના ઘરેથી અમે તમામ આબુ જવા રવાના થઈશું.

કોટવાલ ધારાસભ્યોને આબુ લઇ જવા વિશે જણાવ્યું હતું કે, સંકલન અને પ્રશ્નોની ચર્ચા માટે અમે તમામ ધારાસભ્યોને આબુ જઈ રહ્યા છીએ. વિધાનસભાની તૈયારી માટે આબુમાં શિબિરનું આયોજન પણ કરવામાં આવ્યું છે. હવે કોંગ્રેસના કોઈ ધારાસભ્ય તૂટવાના નથી.

આબુમાં તમામ ધારાસભ્યોને રાજ્યસભામાં મતદાન કરવા અંગે માર્ગદર્શન અપાશે. ધારાસભ્યોની માગ હતી એટલે અમે બધાએ શિબિર યોજી છે, તો બીજી બાજુ અશ્વિન કોટવાલે જણાવ્યું કે, ધવલસિંહે કહ્યું કે હું કોંગ્રેસની સાથે છું. પરંતુ અલ્પેશ કહી રહ્યો છે કે, ધવલસિંહ મારા પક્ષે છે. હવે આ બન્નેમાંથી સાચું કોણ એ તો આવનારો સમય બતાવશે. રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગથી બચવા માટે કોંગ્રેસ ધારાસભ્યોને માઉન્ટ આબુ લઈ જવા પાછળનું કારણ એ છે કે હાલમાં રાજસ્થાનમાં કોંગ્રેસનું શાસન છે અને અશોક ગહેલોત મુખ્યપ્રધાન છે. અશોક ગહેલોત એક સમયે ગુજરાતના પ્રભારી પણ રહી ચૂક્યાં છે.

ગુજરાતની રાજ્યસભાની બે બેઠકો પર પાંચમી જુલાઈના રોજ મતદાન પૂર્વે મોટા સમાચાર સામે આવ્યાં છે. કોંગ્રેસના ધારાસભ્યોમાં કોઈ ફૂટ ન પડે અથવા ભાજપ કોઇ ધારાસભ્યોને તોડે નહીં તેના માટે કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને માઉન્ટ આબૂમાં લઈ જશે. આ પહેલાની રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસ પોતાના તમામ ધારાસભ્યોને બેંગલુરુના રિસોર્ટમાં લઈને ગઈ હતી.

ભાજપના પ્રવક્ત ભરત પંડ્યાએ આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે કોંગ્રેસના ધારાસભ્યોનો આબુ પ્રવાસ એ કોંગ્રેસના નેતૃત્વનો ધારાસભ્યો પરનો અવિશ્વાસ પ્રવાસ છે. કોંગ્રેસ પ્રજાથી દૂર ભાગે છે, કોંગ્રેસનું નેતૃત્વ તેના ધારાસભ્યોથી દૂર ભાગે છે, દેશહિત અને પ્રજાહિતથી વિપરીત કોંગ્રેસના કાર્યક્રમો હોય છે. કોંગ્રેસ પોતાના ઘરને સાચવી શકતી ન હોવાના કારણે ભાજપ પર ખોટા આક્ષેપો કરે છે અને કોંગ્રેસ હંમેશા વેકેશનમાં જ હોય છે.