પીડિયાટ્રીક કાર્ડિયાક ટ્રીટમેન્ટની ભાવિ રણનીતિ અંગે CM રુપાણીએ જણાવી આ આવશ્યકતા

ગાંધીનગર- પીડિયાટ્રીક કાર્ડિયાક સોસાયટી ઓફ ઇન્ડિયાની 19મી વાર્ષિક પરિષદનો ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે પ્રારંભ થયો હતો. આ ત્રિદિવસીય પરિષદમાં વિવિધ સત્રોમાં પીડિયાટ્રીક કાર્ડિયાક ટ્રીટમેન્ટ એન્ડ કેરની ભાવિ રણનીતિ તૈયાર કરવા માટે ચર્ચા વિચારણા અને પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવી રહી છે.

આ પ્રસંગે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે, નવજાત બાળકોને વ્યાપક અસરકર્તા પીડિયાટ્રીક કાર્ડિયાક ડીસઓર્ડસની શ્રેષ્ઠત્તમ સારવાર માટે ટર્શરી કેર પીડિયાટ્રીકસ કાર્ડિયાક ટ્રીટમેન્ટ ઊચ્ચ ધારા-ધોરણો સાથે સ્થાપિત કરવાની આવશ્કયતા છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ-શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ હેઠળ ૦ થી ૧૮ વર્ષની વયના તમામ બાળકોની આરોગ્ય તપાસણી સરકાર દ્વારા વિનામૂલ્યે કરવામાં આવે છે. આ તપાસણી દરમિયાન કોઇ બાળકને હ્વદયરોગ સહિતની અન્ય કોઇ ગંભીર બિમારી જણાય તો દેશમાં જ્યાં પણ શ્રેષ્ઠત્તમ સારવાર-ચિકીત્સા ઉપલબ્ધ હોય ત્યાં સરકાર જ આવા બાળકની સારવાર કરાવી આપે છે.

રાજ્યમાં પ્રાયમરી અને સેકન્ડરી લેવલની કાર્ડિયાક ચિકીત્સા સુવિધા માટે ગાંધીનગર અને સુરતમાં સેટેલાઇટ સેન્ટર શરૂ કરવાની પ્રક્રિયા સરકારે હાથ ધરી છે. અને આગામી સમયમાં સોલા (અમદાવાદ) તેમજ રાજકોટ સિવીલ હોસ્પિટલમાં અને વડોદરા તથા ઉત્તર ગુજરાતમાં આ પ્રકારના કાર્ડિયાક ચિકીત્સા સેટેલાઇટ સેન્ટર શરૂ કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે.

ગુજરાતમાં યુ.એન.મહેતા ઇન્સ્ટીટયૂટ ઓફ કાર્ડીયોલોજી એન્ડ રીસર્ચ સેન્ટર દ્વારા ર૦૧૭માં ૧૮પ૬૪ કાર્ડિયાક પ્રોસિઝર અને ૫૬૯૬ કાર્ડિયાક સર્જરીમાં ૭પ થી ૮૫ ટકા વિનામૂલ્યે કરવામાં આવી હતી.

આ પ્રસંગે નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઇ પટેલે કહ્યું કે, હ્રદય રોગના કારણે બાળકોનું મોત ન થાય તેવા પ્રયાસો કરવા માટેની જવાબદારી આપણા સૌની છે. આ માટે રાજ્ય સરકાર સુપેરે ધ્યાન કેન્દ્રીત કરીને આયોજન કરી રહી છે. ગુજરાતની યુ.એન.મહેતા ઇન્સ્ટીટયુટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રીસર્ચ સેન્ટર દ્વારા આધુનિક ટેકનોલોજી થકી સારવાર આપવામાં આવે છે તેનો લાભ ગુજરાત સહિત રાજસ્થાન, મધ્યપ્રદેશ અને એન.આર.આઇ. ગુજરાતીઓ લઇ રહ્યા છે.

યુ.એન.મહેતા ઇન્સ્ટીટયુટનો વ્યાપ વધારવા માટે રૂ. ૪૭૦ કરોડના ખર્ચે પ્રોજેકટ હાથ ધરાયો છે. જેનું મોટાભાગનું કામ પૂર્ણતાના આરે છે. તેમજ ૧૫૦૦ થી વધુ મેડીકલ, પેરામેડીકલ સ્ટાફ નિમણૂંક માટે પણ મંજૂરી આપી દીધી છે. જેના થકી વર્ષે રૂ.૧૫૦ કરોડનો બોજ સરકાર ઉપાડશે. હ્રદય રોગની સાથે સાથે આ હોસ્પિટલમાં કીડની, આંતરડા સહિતની વૈશ્વિકસ્તરની સારવાર પણ અપાય છે.

આ વાર્ષિક કોન્ફરન્સમાં તબીબી ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન કરનારા ત્રણ વરિષ્ઠ ડૉકટરોનું લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માન કરાયું હતું.