121 કરોડની ગ્રાન્ટ છતાં પાવાગઢ મંદિરે પાણીની અછતથી શ્રદ્ધાળુ બેહાલ

હાલોલ: દેશની 51 શક્તિપીઠોમાંના એક યાત્રાધામ પાવગઢ ખાતે હાલ ભક્તો ઉમટી પડ્યાં છે. ચૈત્રી નવરાત્રિને લઈને હાલ અહીં લાખોની સંખ્યામાં ભક્તો માતાના દર્શને પહોંચ્યા છે. અહીં દર વર્ષે અંદાજે 38 લાખ શ્રદ્ધાળુઓ આવે છે. આ વર્ષે તંત્રની લાપરવાહીને કારણે મંદિરમાં પાણીની ભયંકર અછત પડી રહી છે. જેને લઈને રોપ-વેની મદદથી પાણીના ટેન્કરોને મંદિરે લઈ જવામાં આવી રહ્યાં છે. સરકાર તરફથી પાવગઢ મંદિરના વિકાસ માટે 121 કરોડ રૂપિયાના ગ્રાન્ટ ફાળવવામાં આવી છે,તેમ છતાં હાલ નવરાત્રિના પર્વમાં આ સ્થિતિ ઉભી થઈ છે.

ચૈત્ર નવરાત્રિના પ્રારંભ સાથે જ મંદિર પરિસરમાં પાણીની અછત સર્જાતા રોપ-વે મારફતે ટેન્કરોને ડુંગર પર પહોંચાડવામાં આવી રહ્યાં છે. રોપ-વે માં પાણીના ટેન્કરો જોઈને અહીં આવેલા લોકો પણ અચંબિત થઈ ગયાં હતાં. તો બીજી તરફ વેપારીઓ દ્વારા પાણીની ચાર લાખ બોટલો ડુંગર પર ચડાવવામાં આવી છે, જેથી યાત્રીઓને થોડી રાહત મળી છે.

નવરાત્રિના બીજા દિવસે અહીં અંદાજે 2 લાખ ભક્તોએ માતાના આશીર્વાદ મેળવ્યા હતાં. રવિવારની રજાને કારણે શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો. ભક્તોની ભીડને જોતાં મંદિરના દ્વારા સવારે 4 વાગ્યે ખોલી નાખવામાં આવ્યા હતાં અને રોપ-વે માટે સવારે 3 વાગ્યાથી બૂકિંગ શરુ કરી દેવામાં આવ્યું હતું.