અમદાવાદમાં પાણીની ટાંકીનો ભાગ તૂટ્યો, ફાયરવિભાગે તમામ 8 મજૂરને બચાવી લીધાં

અમદાવાદ-બોપલમાં થોડા દિવસ અગાઉ પાણીની ટાંકી તૂટીને પડવાના કારણે મોતની ઘટના હજુ તાજી છે ત્યાં ફરી એકવાર પાણીની ટાંકી તૂટવાનો મામલો સામે આવ્યો છે. પ્રાથમિક ધોરણે મળી રહેલી માહિતી મુજબ અમદાવાદના નિકોલમાં નિર્માણધીન પાણીની ટાંકીનો સ્લેબ તૂટી પડ્યો હતો. સ્લેબ તૂટી પડવાની આ ઘટનામાં આઠેક મજૂરો દટાયાં હતાં. ફાયર બ્રિગેડેની તાત્કાલિક કાર્યવાહીને પગલે તમામ 8 મજૂરોને સલામત બહાર કાઢી લેવાયાં છે. જોકે કાટમાળમાં કોઇ દટાયું હોય તો તેની ખાતરીપૂર્વકની કામગીરી કરતાં કાટમાળ ખસેડવાનું જારી રાખવામાં આવ્યું છે.

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એસ.પી. રીંગ રોડ પાસે આવેલા નિકોલમાં ભોજલધામ પાસે આ પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી થયો હતો. પાણીની આ ટાંકીનું નિર્માણ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યું હતું. તૂટેલાં સ્લેબની નીચે દટાયેલાં મજૂરોમાંથી 8 લોકોને બચાવીને બહાર લેવાયાં છે.જેમાંથી સારવારની જરુર હોય તેવા છ લોકોને સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. આ સાઈટ પર આશરે સો જેટલા મજૂરો કામ કરી રહ્યાં હતાં.ઘટનાસ્થળે ઘસી આવેલી ફાયરબ્રિગેડની 15 ગાડીઓએ બચાવ કામગીરી આરંભી છે. આ ઘટના આશરે બપોરના ચારના શુમારે બની હોવાનું બહાર આવી રહ્યું છે.

શરૂઆતમાં એવી અફવા ચાલી હતી કે ભોજલધામમાં નિર્માણાધીન ઇમારત ધરાશાયી થઇ છે અને 30થી વધુ લોકો દટાયાં છે. જેને પગલે અફડાતફડી મચી હતી. જોકે થોડી જ મીનિટોમાં અમદાવાદ ફાયર ચીફ ઓફિસર એમ.એફ. દસ્તુરે ઘટનાની જાણકારી આપતાં જણાવ્યું હતું કે,  ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. અને કાટમાળમાં દટાયેલા 6 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. બે લોકો હજી  કાટમાળમા દટાયા છે અને તેમને બહાર કાઢવા ફાયર બ્રિગેડના 30 જેટલા જવાનો બચાવ કામગીરીમાં લાગ્યાં હતાં.