સૂરત મહાનગરપાલિકા દ્વારા ‘પાર્કિંગ પૉલિસી અને બાયલોઝ’ તૈયાર કરાયાં

ગાંધીનગર- ગાંધીનગર ખાતે ગુજરાત સ્ટેટ રોડ સેફટી કાઉન્સિલની બેઠક અંતર્ગત ગુજરાત રાજ્ય માર્ગ સલામતી પારિતોષિક : ૨૦૧૮-૧૯ના વિવિધ કેટેગરીમાં ૧૨ વિજેતાઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યાં હતાં.  આ પ્રસંગે વાહન વ્યવહાર પ્રધાન આર.સી.ફળદુએ જણાવ્યું કે, વાહન અકસ્માતોનું પુનરાવર્તન ન થાય તે માટે સઘન પગલાં લેવા તમામ વિભાગના વડાઓને સૂચના આપી હતી. વાહન અકસ્માત નિવારી શકાય તે માટે જાગૃતિ લાવવા પ્રયાસો પ્રાથમિક શાળાએથી શરૂ કરવા જોઇએ. ખુબ જ ચમકતી હેડ લાઇટોથી અકસ્માતોની સંભાવના વધે છે તેથી ચમકતી હેડ લાઇટોના ઉપયોગ પર કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપી હતી.  રાજ્ય સરકારે રાજ્યમાં અકસ્માતનું પ્રમાણ ઘટે તે માટે અદ્યતન ટેકનોલોજી ધરાવતી સ્પીડ ગનનો નવતર પ્રયોગ પણ હાથ ધર્યો છે ત્યારે સ્પીડગન દ્વારા હાથ ધરાયેલ કામગીરીની પણ સમીક્ષા કરી હતી.

વાહન વ્યવહાર રાજ્ય પ્રધાન ઇશ્વરભાઇ પટેલે જણાવ્યું કે, સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા સમગ્ર રાજ્યમાં ટ્રાફિક એન્ફોર્સમેન્ટ અને ટ્રાફિક નિયમનમાં વધુ સુધારો લાવવા વિવિધ પગલાં લેવાયા છે. જે અંતર્ગત અકસ્માતની સંખ્યામાં ઘટાડો કરવા અકસ્માતના મૂળ સુધી પહોંચવા માટે માર્ગ મકાન વિભાગ, આર.ટી.ઓ. અને પોલીસ વિભાગ દ્વારા રાજ્યભરમાં વિવિધ ટીમની રચના કરવામાં આવી છે. જેના દ્વારા સતત મોનીટરીંગ પણ કરવામાં આવે છે. તેમણે વધુમાં ઉમેર્યુ કે, સુપ્રિમ કોર્ટ દ્વારા અપાયેલ વાહન અકસ્માતની સંખ્યામાં ઘટાડો કરવાના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા રાજ્ય સરકારે મહત્તમ હદે સફળતા પ્રાપ્ત કરી છે. સૂરત મહાનગરપાલિકા દ્વારા પાર્કિંગની સુવિધા સુયોગ્ય રીતે પૂરી પાડવાના હેતુથી ‘પાર્કિંગ પૉલિસી અને  બાયલોઝ’ તૈયાર કરાયા છે. જે થકી સૂરતમાં રોડ અકસ્માતો ઘટાડવામાં સફળતા મળી છે. 

મહાનુભાવોના હસ્તે ગુજરાત રાજ્ય માર્ગ સલામતી એવોર્ડ વર્ષ-૨૦૧૮-૧૯ વિતરણ કરાયા છે જેમાં ચાર કેટેગરીમાં સ્વૈચ્છિક વ્યક્તિઓ, સ્વૈચ્છિક સંસ્થા, શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી વિભાગનો સમાવેશ કરાયો છે. સ્વૈચ્છિક વ્યક્તિઓની કેટેગરીમાં પ્રથમ, દ્વિતિય અને તૃતિય સ્થાન પર અનુક્રમે અમિતભાઇ ખત્રી, સત્યેનભાઇ ફુલાબકર અને ડૉ. અજયસિંહ જાડેજાની પસંદગી કરાઇ હતી.

સ્વૈચ્છિક સંસ્થા કેટેગરીમાં પ્રથમ, દ્વિતિય અને તૃતિય સ્થાન પર અનુક્રમે GVK-EMRI અમદાવાદ, નૈસર્ગિક ટ્રસ્ટ-પાલનપુર અને રોજર મોટર્સ-રાજકોટને તથા શૈક્ષણિક સંસ્થા કેટેગરીમાં પ્રથમ, દ્વિતિય અને તૃતિય સ્થાન પર અનુક્રમે શેઠ અમુલખ વિદ્યાલય- અમદાવાદ, સાંદીપની વિદ્યાલય-ભાવનગર અને યુનીક યુ ઇન્ટરનેશનલ સ્કૂલ ઇડરને જ્યારે સરકારી વિભાગ કેટેગરીમાં પ્રથમ, દ્વિતિય અને તૃતિય સ્થાન પર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગૃહ વિભાગ અને નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયાને પારિતોષિક એનાયત કરાયા હતા.