ફડણવીસની મહા જનાદેશ યાત્રાનો આરંભ…

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજ્યની વિધાનસભાની આગામી ચૂંટણી માટે પોતાના અને ભાજપના પ્રચારનો આજે 1 ઓગસ્ટ, ગુરુવારથી શુભારંભ કર્યો છે. એમણે રાજ્યના અમરાવતી જિલ્લાના મોજારી ગામ ખાતેથી એમની મહા જનાદેશ યાત્રાનો આરંભ કર્યો છે. એમની સાથે કેન્દ્રીય સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ પણ હતા. રાજનાથ સિંહે જ આ મહાજનાદેશ યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો.


આ યાત્રા કુલ 4,394 કિલોમીટર અંતરની હશે અને 31 ઓગસ્ટે નાશિકમાં સમાપ્ત થશે. તે અંતર્ગત ફડણવીસ સમગ્ર રાજ્યમાં પ્રવાસ કરશે.


આ યાત્રા મહારાષ્ટ્રના 32 જિલ્લાઓમાં બે તબક્કાની રહેશે. ફડણવીસ બંને તબક્કા મળીને 150 મતદારવિસ્તારોની મુલાકાત લેશે. પહેલો તબક્કો 1-9 ઓગસ્ટ અને બીજો તબક્કો 17-31 ઓગસ્ટનો રહેશે. આ યાત્રા દરમિયાન ફડણવીસ 87 મોટી, 57 સ્વાગત સભાઓને સંબોધિત કરશે.


વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ ફડણવીસની આ યાત્રામાં સામેલ થશે એવી ધારણા છે. મહારાષ્ટ્રમાં આવતા ઓક્ટોબર-નવેંબરમાં ચૂંટણી નિર્ધારિત છે.




યાત્રાના આરંભિક ભાષણમાં ફડણવીસે વિકાસના મુદ્દે વિરોધપક્ષોને ટાર્ગેટ બનાવ્યા હતા અને કહ્યું કે કોઈ પણ સરકાર પાંચ વર્ષમાં બધી સમસ્યાઓ નાબૂદ કરી ન શકે, પણ હું દાવો કરી શકું છું કે પાછલી કોંગ્રેસ-એનસીપી સરકારે જે 15 વર્ષમાં કર્યું નહોતું એનાથી બમણું અમે માત્ર પાંચ વર્ષમાં કરી બતાવ્યું છે.