પાલનપુરઃ પાલનપુરથી દાંતા અંબાજી સુધીનો રસ્તો રુપિયા ૨૦૦ કરોડના ખર્ચે ફોરલેન બનાવવાના પ્રકલ્પનું કામકાજ શરુ કરવામાં આવ્યું છે. નાય સીએમ નિતીન પટેલના હસ્તે તે માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.બનાસકાંઠા જીલ્લામાં રૂ. ૨૯૧ કરોડના ખર્ચથી નિર્માણ થનાર રસ્તા, પુલ વગેરે કામોનું લોકાર્પણ અને ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું. નાયબ સીએમ નિતીપ પટેલે પાલનપુરથી-દાંતા-અંબાજી ફોરલેન રસ્તાનું તેમ જ દાંતાથી આંબા ઘાટ રસ્તાને ફોરલેન બનાવવાના કામનું અને યાત્રાધામ અંબાજી મુકામે નવું અતિથિગૃહ બનાવવાના કામનું ખાતમુર્હૂત કર્યું હતું.
ઉપરાંત રામપુરા (વડલા) એપ્રોચ રસ્તા ઉપર મેજર બ્રિજનું અને વિરમપુર-ઘોડા-ગાજી રસ્તા ઉપરના પુલની કામગીરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
નાયબ સીએમે જણાવ્યું કે કે વિધાનસભામાં બજેટ રજૂ કર્યુ ત્યારે રાજયના તમામ યાત્રાધામોને ચારમાર્ગીય રસ્તાઓથી સાંકળી લેવા નક્કી કર્યુ હતુ તે હવે સાકાર થઇ રહ્યું છે. રાજયમાં ચાલતા રસ્તાના કામોની તેમણે વિગતો આપી હતી.
તેમણે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ હસ્તકના દવાખાના વિશે જણાવ્યું કે દવાખાના અંગે જરૂરી એમઓયુ થઇ ગયા છે અને ટૂંકસમયમાં દવાખાનું કાર્યરત કરાશે.
યાત્રાધામ અંબાજીમાં સમગ્ર દેશમાંથી યાત્રિકો દર્શનાર્થે આવે છે ત્યારે સારા રસ્તાઓ બનવાથી યાત્રિકોને તે વધુ ઉપયોગી નિવડશે તે સાથે આ વિસ્તારનો વિકાસ ઝડપી બનશે.