અમદાવાદઃ નદીની રેતમાં રમતું નગર મળે ન મળે…આ કાવ્ય અમદાવાદ માટે કવિ આદિલ મન્સૂરીએ ભલે અમદાવાદ છોડતી વખતે ભલે વ્યથિત હ્રદયે લખેલું હોય, પણ એ ગીત અમદાવાદ શહેરની ઓળખસમું બની ગયું છે. અમદાવાદને આજે 609 વર્ષ પૂરાં થયાં છે. ત્યારે આદિલ મન્સૂરી જેટલા જ અમદાવાદપ્રેમી ડો. માણેકભાઈ પટેલે અમદાવાદ અલગારી મારું અમદાવાદ ગીત લખ્યું છે.
આ જગતમાં ઘણા લોકોએ શહેર માટે દેશ માટે અને વિશ્વ માટે પોતાના વ્યવસાય કરતાં જુદા વિષય પર પોતાની જિંદગીનો અમૂલ્ય સમય આપ્યો હશે, પણ દેશમાં કે દુનિયામાં ભાગ્યે કોઈક જ એવી વ્યક્તિ હશે કે જે પોતાની નહીં પણ શહેરની વર્ષગાંઠ પણ ઊજવતી હોય. અમદાવાદપ્રેમી ડો. માણેકભાઈ અમદાવાદનો જન્મદિવસ દર વર્ષે ઊજવતા રહ્યા છે. તેમણે પોતાનો જન્મદિવસ ઊજવ્યો હોય એવું જાણમાં નથી. ડો. માણેકભાઈ પટેલ અમદાવાદ સાહિત્ય-સંશોધન ક્ષેત્રે 25 વર્ષ પૂરાં કર્યા છે. તેમણે કલા, સાહિત્યા, શિક્ષણ લોકકલા ઉપરાંત ઇતિહાસ, ભૂગોળ અને વિજ્ઞાન સહિત દરેક ક્ષેત્રમાં અમદાવાદ પર સંશોધન કર્યું છે. તેમણે અમદાવાદ વિશે વિસ્તૃત અને ગહન અભ્યાસ કર્યો છે. તેમણે અમદાવાદનું દસ્તાવેજીકરણ કર્યું હોય તેવો કદાચ ભારતમાં આ પહેલો બનાવ છે. તેમણે અમદાવાદ પર વિહંગાવલોકન કર્યું છે. તેમને તો અમદાવાદ શહેરના એનસાઇક્લોપિયા કહી શકાય.
અમદાવાદ શહેર પર ‘ડોક્યુમેન્ટરી’ : ‘વેલકમ ટુ અમદાવાદ’
ડો. માણેક પટેલે અમદાવાદ શહેરની એક ડોક્યુમેન્ટરી ‘વેલકમ ટુ અમદાવાદ’ બનાવી છે, જે બનાવતાં તેમને બે વર્ષ લાગ્યાં હતાં. અમદાવાદ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ આ અમદાવાદ ડોક્યુમેન્ટરીની સીડી બનાવવા માટેનો પ્રોજેક્ટ પાસ કર્યો હતો. આ ડોક્યુમેન્ટરી બનાવવા પાછળ તેમને રૂ. સાત લાખનો ખર્ચ કર્યો હતો, પણ કોર્પોરેશને તેમને રૂ. છ લાખ જ મંજૂર કર્યા હતા. આમ તેમણે ગાંઠના પૈસા ખર્ચીને પણ પ્રોજેક્ટ પૂરો કર્યો. તેમને આ માટે આર્કિયોલોજી ઓફ ઇન્ડિયાની પણ મદદ મળી રહી હતી. આ ડોક્યુમેન્ટરી ‘વેલકમ ટુ અમદાવાદ’નું વિમોચન અમદાવાદનાં મેયર મીનાક્ષીબહેન પટેલે કર્યું હતું અને અતિથિ વિશેષપદે અસિત વોરા હતા.
આ ‘વેલકમ ટુ અમદાવાદ’ ડોક્યુમેન્ટરી કમસે કમ 100 સંસ્થાઓમાં દર્શાવવામાં આવી
ડો. માણેકભાઈએ અમદાવાદ પરની ડોક્યુમેન્ટરી એટલા ખંતથી અને મહેનતથી બનાવી છે, આ ડોક્યુમેન્ટરી એક કલાકની છે. જે સ્કૂલો, કોલેજો, જાહેર સંસ્થા અને ખાનગી ક્લબો ઓમાં 100થી વધુ વખત તેના શો થઈ ચૂક્યા છે.
અમદાવાદ અલગારી મારું અમદાવાદ
ડો. માણેકભાઈ પટેલ અમદાવાદની ડોક્યુમેન્ટરી તો બનાવી જ છે, પણ તેમણે અમદાવાદ પર એક ગીત પણ લખ્યું છે, જેનું શીર્ષક છે, અમદાવાદ અલગારી અમદાવાદ.
અમદાવાદ એટલે ઓડી- ‘ચાર બંગડીવાળું શહેર’
ડો. માણેકભાઈ પટેલના મતે અમદાવાદ એટલે ચાર બંગડીવાળું શહેર. તેમના જણાવ્યા મુજબ પહેલી બંગડી એટલે અમદાવાદનો શહેરી વિસ્તાર (મૂળ અમદાવાદ અમદાવાદનો કોટ વિસ્તાર, બીજી બંગડી એટલે એટલે શહેરની ફરતે આવેલો 132 ફૂટનો રિંગ રોડ. ત્રીજી બંગડી એટલે શહેરી વિસ્તાર ફરતે બનેલો નવો સરદાર પટેલ રિંગ રોડ અને ચોથી બંગડી એટલે શહેરના લગભગ બધા જ વિસ્તારને સમાવતો સાણંદ પાસે બની રહેલો એકદમ નવો અને મોટો રિંગ રોડ. તેમના જણાવ્યા પ્રમાણે અમદાવાદ કાળક્રમે એટલું વિસ્તર્યું છે કે કુલ એનો ઘેરાવો આશરે 365 કિલોમીટરનો થાય છે.
અમદાવાદ ચિંગૂસ નહીં કરકસરિયું, અમદાવાદી દાતા પણ ખરો
ટ્રેનમાંથી કોઈ પૂછે કે કયું સ્ટેશન આવ્યું? અને જવાબ આપનાર એમ કહે કે પૈસા આપ તો કહું એટલે લોકો સમજી જતા કે અમદાવાદ આવી ગયું પણ પણ આ વાતને ખોટી પાડતાં તેઓ કહે છે કે અમદાવાદી ચિંગુસ નથી પણ કરકસરિયું છે. –બંનેમાં બહુ મોટો ફરક છે. તેમણે કહ્યું કે અમદાવાદી કોઈ પણ ચીજવસ્તુની ખરીદીમાં કંજૂસાઈ નથી કરતો પણ કરકસર કરે છે વાજબી કિંમત આપે છે. વળી, અમદાવાદી કરકસર કરી જાણે છે એમ ખર્ચી પણ જાણે છે. અમદાવાદી દાતા જેવા દાતા પણ ભાગ્યે બીજા શહેરમાં હોય. તે કોઈ ને કોઈ પ્રકારે દાન કરતો રહે છે. ગલી, મહોલ્લા કે પછી અન્ય ધાર્મિક કે સામાજિક પ્રસંગે અમદાવાદી શક્તિ મુજબ ભલે નાની પણ નાની રકમનું તે દાન અવશ્ય કરે છે.
અમદાવાદની ખાસિયત અને શેરિંગ એન્ડ કેરિંગ
અમદાવાદની ખાસિયત વિશે જણાવતાં તેઓ કહે છે કે અમદાવાદીઓ વહેંચીને મજા લેવાવાળા છે, પછી ભલે એ ચા હોય કે વાત. અમદાવાદની અડધી ચા ફેમસ છે, પણ એ જ રીતે અમદાવાદની બીજી ખાસિયત એ છે કે તે એકમેકની કેરિંગ પણ ખરે છે. જેમ કે રોડ-રસ્તામાં કોઈને કોઈ મુશ્કેલી હોય તો લોકો એ વ્યક્તિની વહારે ધાય છે. આ સિવાય પણ બિલ્ડિંગ- સોસાયટીમાં કોઈને મુશ્કેલી હોય તો તેને આજુબાજુમાં મદદ મળી રહે છે.