રાજપીપળા એરસ્ટ્રીપ માટે જમીન ફાળવણી, AAI સાથેની બેઠકમાં સીએમે કરી ચર્ચા

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ ગુરુપ્રસાદ મહાપાત્રા સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં પોરબંદર એરપોર્ટના વિસ્તૃતીકરણ અને હવાઈ સેવાઓનો વ્યાપ વધારવા તેમજ કોસ્ટગાર્ડ, નેવી જેવી સુરક્ષા એજન્સીઓ માટે વ્યાપક સુવિધા અંગે પરામર્શ કરવામાં આવ્યો હતો.

મુખ્યપ્રધાને પોરબંદર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું જન્મ સ્થળ હોવા સાથે પ્રવાસન પ્રવૃતિનું પણ મહત્વનું કેન્દ્ર છે તે સંદર્ભમાં આ એરપોર્ટના હાલના રન-વે ને ર૬૦૦ મીટર જેટલો વિસ્તૃત કરવાની કામગીરી માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડીયા સાથે ચર્ચા વિચારણા કરી હતી. તેમણે કહ્યું કે, પોરબંદરમાં સમુદ્રી સુરક્ષાની દ્રષ્ટિએ ઇન્ડીયન કોસ્ટગાર્ડ અને નૌ સેના જેવી એજન્સીઓ પણ કાર્યરત છે ત્યારે ભવિષ્યમાં તેમના વધુ હેલિકોપ્ટર અને એરક્રાફટ લેન્ડીંગ થઇ શકે તે માટે પણ આ રન-વે એકસપાન્શન જરૂરી છે.

પોરબંદરથી અત્યારે અમદાવાદ-મુંબઇ માટે જે પેસેન્જર પ્લેન ચાલે છે તેમાં પણ વધુ વહન ક્ષમતાવાળા પ્લેનની વધારે ફ્રિકવન્સી કરી શકાય અને વધુ પ્રવાસીઓને હવાઇ સેવાનો લાભ મળે તે હેતુથી પ્રવર્તમાન રન-વેની ૧૩૭ર મીટરની જે લંબાઇ છે તે વધારવી જોઇએ.

એરપોર્ટ ઓથોરિટીના અધ્યક્ષ સાથેની આ બેઠકમાં એવું પણ વિચારણામાં લેવામાં આવ્યું કે, કોસ્ટગાર્ડના સ્ટાફ કવાટર્સ એરપોર્ટ રન-વે નજીક બનાવવામાં આવી રહ્યા છે તે માટે પણ રન-વે વિસ્તૃતીકરણને અસર ન પડે તે રીતે વધુ જમીન ફાળવી શકાય કે કેમ તે અંગેનો શકયતાદર્શી અહેવાલ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તૈયાર કરીને રાજ્ય સરકારને આપશે.

મુખ્યપ્રધાન રુપાણીએ આ ઉપરાંત સ્ટેચ્યૂ ઓફ યુનિટી કેવડીયાની પણ વિશ્વ પ્રવાસન ધામ તરીકેની વિકસી રહેલી પ્રવૃત્તિઓના સંદર્ભમાં રાજપીપળા નજીક એરસ્ટ્રીપ માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડીયાને જરૂરી જમીન ફાળવણી માટે જિલ્લાતંત્ર દ્વારા સંકલન કરવામાં આવી રહ્યું છે તેમ જણાવ્યું હતું. આ બેઠક દરમ્યાન રાજકોટ અને ધોલેરાના આંતરરાષ્ટ્રિય એરપોર્ટના વિકાસ અને અન્ય માળખાકીય સુવિધાઓ અંગે ચર્ચા-પરામર્શ કરવામાં આવ્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]