ગાંધીનગરઃ વિવિધ કોર્પોરેટ અને ઇન્સ્ટિટ્યૂટ્સના ક્રિકેટ ખેલાડીઓને પ્રોફેશનલ ટુર્નામેન્ટમાં ક્રિકેટ રમવાનો એક યાદગાર અનુભવ આપવાના ઉદ્દેશથી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IITGN)એ હાલમાં IITGN ક્રિકેટ લીગ (ICL 2022)નું આયોજન કર્યું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટ જાણીતા ઓર્ગેનાઇઝેશન્સ, કંપનીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં એક મહિનો ચાલી હતી.
આ ટુર્નામેન્ટમાં 12 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ONGC, HDFC, નિયોટેક્સ, બેન્ક ઓફ બરોડા, નેહા નર્સિંગ હોમ, ગુજરાત સેક્રેટેરિયેટ. GST, રોડ અને બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ, કડી સર્વ વિદ્યાલય, અરવિંદ લિ. મનીમાઇન અને IIT ગાંધીનગરની ટીમોએ ભાગ લીધો હતો. આ ટીમોએ એકમેક સાથે T20ની 20 કરતાં વધુ મેચો લેધર બોલથી ફ્લડ લાઇટ્સ હેઠળ રમી હતી. જોકે આ લીગ મેચો પછી ક્વર્ટર ફાઇનલ નોકઆઉટ પદ્ધતિએ રમાડવામાં આવી હતી. એ પછી સેમી ફાઇનલ મનીમાઇન અને ગુજરાત સેક્રેટરિયટ વચ્ચે અને બીજી સેમી ફાઇનલ કડી સર્વ વિદ્યાલય અને ONGC વચ્ચે રમાઈ હતી.
ત્યાર બાદ ફાઇનલ મેચ ગુજરાત સેક્રેટરિયેટ અને ONGC વચ્ચે 28 જૂને રમાઈ હતી, જેમાં ONGCએ ICL 2022 ટુર્નામેન્ટ છ વિકેટે જીતી લીધી હતી. ગુજરાત ક્રિકેટ એસોસિયેશનનના સચિવ અનિલ પટેલ પણ ICL 2022ની ફાઇનલ મેચ જોવા આવ્યા હતા.
IITGN કેમ્પસ ડેવલપમેન્ટના ડીન પ્રો. ગૌરવ શ્રીવાસ્તવ અને સ્પોર્ટ્સના વડા પ્રો. મધુ વડાલીએ વિજેતા, રનર-અપ, ટીમને ટ્રોફી આપી હતી. આ ઉપરાંત તેમણે મેન ઓફ ધ સિરીઝ, બેસ્ટ બેટ્સમેન અને બેસ્ટ બોલરને પણ ટ્રોફી આપી હતી.
