લો પ્રેશર સર્જાતાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ પશ્ચિમ બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સર્જાયું છે. જેની અસરથી રાજ્યમાં સારોએવો વરસાદ વરસે એવી શક્યતા છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. વિભાગે દક્ષિણ, મધ્ય અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી દિવસોમાં અમદાવાદમાં પણ નોંધપાત્ર વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યમાં સાત અને આઠ જુલાઈએ ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના સ્થાનિક હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

વિભાગના જણાવ્યાનુસાર આગામી દિવસોમાં રાજ્યના દક્ષિણ અને મધ્ય ગુજરાતની સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ તૂટી પડવાની આગાહી કરવામાં આવી છે. જોકે પાછલા કેટલાક દિવસોથી રાજ્યના સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં થઈ રહેલા વરસાદને કારણે નીચાણવાળાં ગામોમાં પાણી ભરાયાં છે, જ્યારે ખેડૂતો વાવણી લાયક વરસાદ થતા ખુશખુશાલ છે. આ તરફ મહારાષ્ટ્રના અન્ય ભાગોની સાથે મુંબઈમાં પણ ભારે વરસાદ થઈ રહ્યો છે.

રાજ્યના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નવસારી અને વલસાડમાં સાંબેલાધાર વરસાદ તૂટી પડશે તેવી આગાહી છે. જ્યારે આ સિવાય સુરત, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અમરેલીમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. રાજ્યના 156 તાલુકામાં વરસાદ  નોંધાયો છે, જેમાં સૌથી વધુ વલસાડના ઉમરગામમાં 6.36 ઇંચ  વરસ્યો છે. આ સાથે વલસાડના પારડીમાં 5.44 ઇંચ વરસાદ નોંધાયો હતો.

છેલ્લા બે દિવસથી મહારાષ્ટ્રના અન્ય ભાગોની સાથે મુંબઈ સહિત કોંકણ અને કોલ્હાપુર સહિતના વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો હોવાથી અનેક નદીનાળામાં છલકાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં વરસાદે જમાવટ કરી છે. મુંબઈના અનેક પરાઓમાં પણ પાણીના ભરાવાને કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]