બુલેટ ટ્રેનના પુલ નિર્માણમાં ક્રેન તૂટતાં એકનું મોત, છ ઘાયલ

અમદાવાદઃ રાજ્યના વડોદરામાં બુલેટ ટ્રેનના નિર્માણ કાર્યમાં દુર્ઘટના ઘટી છે. વડોદરાના કરજણમાં બુલેટ ટ્રેનના કામ દરમ્યાન એક ક્રેન પડી ગઈ હતી. એને પગલે એક મજૂરનું મોત થયું હતું અને અન્ય છ જણ ઘાયલ થયા હતા. વડોદરામાં આ દુર્ઘટના કરજણના કંબોલાની નજીક થઈ હતી. વહીવટી તંત્રની ટીમે ઘટનાસ્થળે બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.

મુંબઈથી અમદાવાદ વચ્ચે ચાલી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામમાં આજે સવારે કરજણ તાલુકાના કંબોલા ગામ પાસે સર્જાયેલી એક દુર્ઘટનામાં એક મજૂરનું  મોત થયું હતું જ્યારે અન્ય છ શ્રમજીવીને સામાન્ય ઈજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. કંબોલા ગામ પાસે ખેતરમાંથી બુલેટ ટ્રેન પસાર થવાની હોવાથી ત્યાં L&T કંપની દ્વારા બ્રિજ ઉપર મોટી ક્રેન ગોઠવીને કામકાજ ચાલી રહ્યું હતું ત્યારે આ ક્રેન અચાનક નીચે તૂટી પડી હતી. આ ક્રેન નીચે દબાઈ જવાથી મજૂર મોતને ભેટ્યો હતો. આ બનાવને પગલે ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.

નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિ. (NNSRCL)ની દેખરેખમાં અમદાવાદથી મુંબઈની વચ્ચે ટ્રેનના કોરિડોરનું નિર્માણ થઈ રહ્યું છે. વડોદરા જિલ્લામાં કરજણના કંબોલામાં ગાર્ડરનું કામ કરવામાં આવી રહ્યું હતું. અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કુલ લંબાઈ 508.18 કિલોમીટર છે. આ પ્રોજેક્ટમાં હાલ બુલેટ ટ્રેન ટ્રેક બનાવવાનું કામ ચાલી રહ્યું છે.