સુરતઃ શહેરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શહેરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં દોઢ લાખ લોકો યોગ કરવા માટે એકઠા થયા હતા, જેમાં એક વર્લ્ડ રેકોર્ડ બન્યો હતો. શહેરના વાય જંક્શનથી પાર્લે પોઇન્ટ અને બીજી બાજુ વાય જંક્શનથી બ્રેડ લાઇનર સર્કલ સુધી લોકોએ પોતાની મેટ પર જુદાં-જુદાં યોગાસન કર્યાં હતાં. આ માટે 125 બ્લોક બનાવવામાં આવ્યા હતા. સુરતમાં યોજાયેલા યોગ કાર્યક્રમમાં સુરતીઓએ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો અને સવા લાખની સામે 1.50 લાખ લોકોએ યોગ કર્યો હતો. PM મોદીએ વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. CM ભૂપેન્દ્ર પટેલને ગિનીઝ બુક ઓફ રેકોર્ડ્ઝના પ્રતિનિધિએ ગિનીઝ બુક ઓફ રેકોર્ડનું પ્રમાણપત્ર આપ્યું હતું.
રાજ્યના CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે UNમાં મોદીએ યોગ કરીને ફરી એક વાર ભારતને ગર્વ અપાવ્યું છે. રાજ્યમાં યોગના 21 યોગ સ્ટુડિયો નવા શરૂ કરી રહ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આજે સુરતે ઇતિહાસ રચ્યો છે. આ યોગાસનો કરવા માટે એક લાખ કરતાં વધુ લોકો જોડાયા હતા. 250 સ્ક્રીનની વ્યવસ્થા કરવામાં આવી છે.આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે યોગથી વિશ્વમાં ‘વસુધૈવ કુટુમ્બકમ’ની ભાવના વધુ મજબૂત થઈ છે. જેનું શ્રેય આપણા વડા પ્રધાનને ફાળે જાય છે. તેમણે ઉમેર્યું હતું કે રાજ્યમાં 7000થી વધુ સ્થળોએ સવા કરોડથી વધુ લોકો યોગ દિવસની ઉજવણીમાં જોડાયા છે, ત્યારે યોગ દિવસની રાજ્યના નાગરિકોને શુભકામનાઓ પાઠવી યોગથી નીરોગી રહેવાનો અનુરોધ કર્યો હતો.
રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં યોગ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના કાર્યક્રમમાં જોડાવવા માટે જાહેર કરાયેલી ઓનલાઇન લિંક ઉપર માત્ર એક જ દિવસમાં એક લાખથી વધુ નાગરિકોએ રજિસ્ટ્રેશન કરાવી દીધું હતું. આ કાર્યક્રમ 12 કિમીના રસ્તા પર યોજાયો હતો. આ બંને રસ્તા આઇકોનિક રોડ છે. 1.25 લાખથી વધુ લોકો એકસાથે યોગ કરી ગિનિસ બુક ઓફ રેકોર્ડ માટે સંપર્ક સાધ્યો હતો. આ કાર્યક્રમ માટે 2.26 લાખથી વધુ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.