આજે વિશ્વભરમાં શાંતિ સ્થાપવાના ઉદ્દેશ્ય સાથે નવકાર મંત્રના સામૂહિક ઉચ્ચાર દ્વારા એક ઐતિહાસિક વિશ્વ રેકોર્ડ નોંધાવવામાં આવશે. અમદાવાદના GMDC મેદાન સહિત દેશના અનેક સ્થળોએ 20 હજારથી વધુ લોકોએ આ આધ્યાત્મિક કાર્યક્રમમાં ભાગ લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા, જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ GMDC ખાતે હાજર રહ્યા હતા. JITO અને જૈન સમાજના સંયુક્ત આયોજનમાં 43 દેશોના 73 ચેપ્ટર અને 13 આંતરરાષ્ટ્રીય ચેપ્ટર સામેલ થયા છે. ભારત અને વિદેશના કુલ 400 સ્થળોએ આ મંત્રોચ્ચારનું આયોજન થયું છે, જેમાં ગુજરાતમાંથી એક લાખથી વધુ લોકો સહભાગી બનશે. વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં શાંતિની કામના સાથે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં જૈન ધર્મના આ મહામંત્રની શક્તિને વિશ્વ સમક્ષ રજૂ કરવામાં આવી રહી છે.
નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ‘નવકાર મહામંત્ર દિવસ’ની ઉજવણીમાં વડાપ્રધાન મોદીએ હાજરી આપી અને અન્ય લોકો સાથે મંત્રનો ઉચ્ચાર કર્યો. તેમણે જણાવ્યું કે, “નવકાર મંત્રનો આ ભવ્ય આયોજન વિકસિત ભારતના સંકલ્પ સાથે સંકળાયેલો છે. આ મંત્ર માત્ર આધ્યાત્મિક શક્તિ જ નથી, પરંતુ તે વ્યક્તિને સ્વથી સમાજ અને સમાજથી વિશ્વ સુધીની યાત્રા શીખવે છે.” તેમણે ઉમેર્યું, “મેં લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે વિકસિત ભારત એટલે વિકાસની સાથે સાંસ્કૃતિક વારસાનું જતન. એક એવું ભારત જે પ્રગતિની નવી ઊંચાઈઓને સ્પર્શે, પરંતુ પોતાના મૂળથી અલગ નહીં થાય.” પીએમ મોદીએ યાદ કર્યું કે, “થોડા વર્ષો પહેલાં બેંગલુરુમાં પણ મેં આવા સામૂહિક મંત્રોચ્ચારમાં ભાગ લીધો હતો. આજે ફરી એ જ આધ્યાત્મિક અનુભૂતિ થઈ, જે દરેક શબ્દમાંથી પ્રગટે છે. આ મંત્રનું દરેક અક્ષર એક શક્તિશાળી મંત્ર છે.”
પીએમ મોદીએ નવકાર મંત્રના મહત્વ પર પ્રકાશ પાડતાં કહ્યું, “આ મંત્ર ફક્ત શબ્દોનો સમૂહ નથી, તે આપણી આસ્થાનું પ્રતીક છે. તે જીવનની દિશા બતાવે છે અને વ્યક્તિને આંતરિક શુદ્ધિ તરફ લઈ જાય છે. નવકાર મંત્ર એ માનવતા, ધ્યાન અને સાધનાનું પ્રતિબિંબ છે.” તેમણે ઉમેર્યું, “આ મંત્ર આપણને શીખવે છે કે સાચો શત્રુ બહાર નહીં, પરંતુ અંદર છે – નકારાત્મકતા, દ્વેષ અને સ્વાર્થ. આ આંતરિક દુશ્મનોને જીતવામાં જ સાચી સફળતા રહેલી છે.” જૈન ધર્મની આ શિક્ષણ પર ભાર મૂકતાં તેમણે કહ્યું, “જીવનના નવ તત્વોને સમજીને આપણે પૂર્ણતા તરફ આગળ વધીએ છીએ. આપણી સંસ્કૃતિમાં નવનું આગવું સ્થાન છે, અને નવકાર મંત્ર આ નવ તત્વોનું સાર્થક રૂપ છે. તે આપણને પોતાની શક્તિ પર વિશ્વાસ રાખી, આત્મજયનો માર્ગ અપનાવવા પ્રેરે છે.”
(તસવીર: પ્રજ્ઞેશ વ્યાસ)
