વડોદરામાં બીજી નોરતે એટલે 4 ઓક્ટોબરના બનેલી ઘટના બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ફરી એક સગીરાને ત્રણ લોકોએ પોતાની હવસનો શિકાર બનાવી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરા શહેર નજીક આવેલા ભાયલી ગામ પાસે બનેલી સામૂહિક દુષ્કર્મની ઘટનાના ગુજરાતભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ સમગ્ર ઘટનાને લઇ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે શહેરોના ડેરી ડેન સર્કલ ખાતે NSUI દ્વારા ભારે સૂત્રોચાર કરી ગૃહ રાજ્યમંત્રીના પૂતળાનું દહન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં NSUIના કાર્યકર્તા ગૃહમંત્રીના પૂતળાનું દહન કરે તે પહેલાં જ પોલીસે આઠથી વધુ કાર્યકર્તાની અટકાયત કરી હતી.
શહેરના ડેરી ડેન સર્કલ પાસે NSUIના કાર્યકર્તાઓ દ્વારા સરકાર સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આરોપીઓને ફાંસી આપો ફાંસી આપોના સૂત્રો ચાર સાથે વિરોધ પ્રદર્શન નોંધાવામાં આવ્યુ હતું. વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને NSUI વચ્ચે ભારે ઘર્ષણ બાદ પોલીસે ટીંગાટોળી કરીને કાર્યકર્તાઓને પોલીસવાનમાં બેસાડ્યા હતા. ઉલ્લેખનીય છે કે વડોદરાના ભાયલીમાં શરમજનક ઘટના બની હતી, જેના વિરોધમાં આજે NSUI દ્વારા રસ્તા પર ઊતરીને એક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ ઘટનાને લઇ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામું આપે અને જે આરોપીઓ પકડાયા છે, તેઓને તાત્કાલિક ધોરણે ફાંસીની સજા થાય તેના વિરોધમાં આજે NSUI દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે.
