અમદાવાદ- આપણાં રાજ્ય સહિત દેશભરમાં ગરમીનો કેર યથાવત્ છે.ત્યારે હીટવેવ કંડિશનમાં હમણાં રાહતની આશા રાખવી વ્યર્થ છે. ગરમીની સ્વાસ્થ્ય પરની અસરો ખાળવાના ઉપાય અજમાવવા હાલ એકમાત્ર સહારો છે.ઉત્તર અને મધ્યભારતમાં આગામી એક સપ્તાહ સુધી ગરમીમાંથી રાહત મળવાના કોઈ અણસાર નથી. 27મી મે સુધી તાપમાનમાં ઘટાડાની કોઈ સંભાવના ન હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. હરિયાણા,રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં 27 મે સુધી તાપમાનમાં વધારાની આશંકાને પગલે રેડ એલર્ટ જાહેર કરાયું છે.
જ્યારે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના વિદર્ભમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમી રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીના મોટા ભાગના વિસ્તારોમાં આજે પણ લૂ સાથે ગરમીનો પ્રકોપ વધવાની શક્યતા વ્યક્ત કરી છે.તો ગુજરાતમાં પણ અમદાવાદ અને રાજકોટ સહિતના શહેરોમાં હિટવેવ યથાવત્ છે.