‘કાન્‍હાનું કામ, દૂધનું દાન’ યોજના શરુ, આ રીતે કરશે કામ

દ્વારકા- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ બેટ દ્વારકામાં રુપિયા 14.43 કરોડના વિકાસ કામો અને કુપોષણમુક્તિના ધ્યેય સાથેની નવતર યોજના કાન્હાનું કામ, દૂધનું દાનનો પ્રારંભ કરાવતાં જળસંચય અભિયાનથી દુકાળ ભૂતકાળ બનશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.તેમણે વધુ એકવાર વિશ્વાસ દોહરાવ્યો હતો કે ધોમધખતા તાપમાં આ અભિયાનમાં થઇ રહેલું શ્રમદાન અને પરિશ્રમનો પરસેવો આગામી ચોમાસામાં જળ સમૃધ્ધિનું અમૃત બનશે જ. સીએમ રુપાણીએ કેન્‍દ્ર સરકારની ‘‘હૃદય યોજના’’ અન્‍વયે બેટ દ્વારાના રૂા.૧૪ કરોડથી વધુના વિકાસ કામોનું ઈ-તકતી અનાવરણ કરીને ખાતમુહુર્ત કર્યું હતું.

કેન્‍દ્ર સરકારના વિકાસ મંત્રાલયે દેશના અગ્રીમ સાંસ્‍કૃતિક કેન્‍દ્ર સમાન ૧૨ શહેરોમાંથી તીર્થધામો પૈકી ગુજરાતમાંથી દ્વારકા તીર્થધામની પસંદગી ‘હેરીટેજ સીટી ડેવલપમેન્‍ડ એન્‍ડ હ્રદય’ તરીકે ઓળખાતી યોજનામાં સમાવેશ કરેલ છે. આ કેન્‍દ્રોમાં માળખાગત સુવિધાઓના વિકાસ તથા પ્રવાસીઓની સુવિધા-સુખાકારીના વિકાસ કામો હાથ ધર્યા છે.

આજે સીએમ રુપાણીએ ‘કાન્‍હાનું કામ, દૂધનું દાન’ યોજનાનો શુભારંભ કરતા જણાવ્‍યું હતું કે આગેવાનો અને વહીવટીતંત્રના સહયોગથી દૂધ મંડળીઓનું વધારાનું દૂધ ૩૦૦ આંગણવાડી કેન્‍દ્રોમાં 13 હજાર બાળકોને આપવામાં આવશે.

આ રીતે મેળવાશે દૂધના દાન

આ યોજનામાં જિલ્લાના ત્રણ તાલુકાના તમામ ગામમાં ખાનગી અને સહકારી- દૂધંમડળીઓ એકએક અક્ષયપાત્ર મૂકવામાં આવશે. જે કોઇ દૂધ જમા કરાવવા આવે તે વ્યક્તિ પહેલાં આ અક્ષયપાત્રમાં દૂધનું દાન કરશે. આ રીતે એકઠું થયેલું દૂધ તે જ ગામમાં આવેલી આંગણવાડીના તમામ બાળકોને વિતરિત કરવામાં આવશે.