લુપ્ત થતી કળામાં આ બહુરુપી પણ છે….

અમદાવાદ– છેલ્લા એક દાયકામાં મોબાઇલ, ટી.વી. અને ઇન્ટરનેટ જેવા અનેક આધુનિક માધ્યમોએ માહિતી મનોરંજન જેવા ક્ષેત્રોમાં ખૂબ ક્રાંતિ કરી છે. આંગળીના ટેરવે મોબાઇલ દ્વારા માણસ ગમતું મનોરંજન મેળવી લે છે, જ્યારે થોડાક જ વર્ષો પહેલાં કેટલાક ગામડાં વીજળીનો એક બલ્બ પણ નવાઇની વાત હતી. એવા સંજોગોમાં મનોરંજન માટે ભવાઇ કરનારાં, નટ-બજાણીયા, મદારી, જાદુગર, સર્કસ-ખેલકરનારા, મેળા, કથ પૂતળી, બહુરુપી જેવા વિકલ્પો જ હતા. આજે જમીનથી જોડાયેલી કેટલીય સ્થાનિક કળાઓ લુપ્ત થવાના આરે છે.કેટલીક જાતિઓ અને ચોક્કસ પ્રકારનું કામ કરતો વર્ગ પોતાની ઓળખ ગુમાવી રહ્યો છે. પેટીયું રળવા પણ બીજા ક્ષેત્રોમાં ઠેરઠેર ફરી રહ્યો છે. આ કળામાં સૌથી પ્રચલિત બહુરુપીનો સમાવેશ થાય છે. હવે ગામ-શહેરમાં બહુરુપી ખૂબ જ નહિંવત પ્રમાણમાં જોવા મળે છે.

અમદાવાદમાં કેટલાક બહૂરુપી જોવા મળે છે એમાં વાસણા બસ સ્ટેન્ડ પાસે રહેતા ગણેશભાઇનો સમાવેશ થાય છે. નામ એમનું ગણેશભાઇ છે. નવરંગપુરાના એક કોમર્શિયલ કોમ્પલેક્ષ પાસેના માર્ગ પર જ chitralekha.com ને ગણેશ ભાઇનો ભેટો થઇ ગયો. આ આધુનિક યુગમાં બહુરુપી તરીકે કેવી રીતે જીવન નિર્વાહ કરો છો?, તેવા પ્રશ્નના જવાબમાં સહેજ પણ નાસિપાસ થયા વગર કે સમય ને દોષ આપ્યા વગર ગણેશભાઇ કહે છે શનિવારે હનુમાનજી, મંગળવારે વાનર અને અન્ય દિવસોમાં પોલીસ-સિપાહી જેવા વિવિધ વેશ ધારણ કરી શહેરમાં જુદાજુદા વિસ્તારોમાં ફરીને લોકોને મનોરંજન પુરુ પાડવાનો પ્રયત્ન કરું છુ. દુકાન-રહેણાંક વિસ્તાર કે જાહેર માર્ગ પર લોકો મારી વેશભૂષા ને જોઇ જે કાંઇ આપે એ મેળવી આનંદ મેળવું છું. સામેથી ક્યારેય હાથ લંબાવતો નથી.

ગણેશભાઈએ ભારે વેદના સાથે કહ્યું હતું કે ખરેખર બહુરુપીનું કામ કરતાં લોકોને સરકાર તરફથી કાંઇ સહારો કે રોજગારી મળી જાય તો અવશ્ય હર્ષની લાગણી થાય. બાકી મારા પરિવારના લોકો તો આ કળા છોડી પેટિયું રળવા અન્યત્ર મજૂરી કામે લાગી ગયા છે. આમ તો સમાજમાં દરેક ક્ષેત્રોમાં પોતાના સ્વાર્થ માટે અવનવા રુપ ધારણ કરી ખેલ કરનારા લોકો જોવા મળે છે, પણ આ ગણશભાઇ ખરેખર બહુરુપી જ છે.

અહેવાલ અને તસ્વીર-પ્રજ્ઞેશ વ્યાસ