રાજ્યના જળાશયોમાં આવ્યા નવા નીર..

રાજ્યમાં ઠેર-ઠેર ભારે વરસાદ જોવા નોંધાય રહ્યો છે. ત્યારે રાજ્ય કેટલાક વિસ્તારમાં જળબંબાકારની જેવી સ્થિતી પણ સર્જાય છે. તો ક્યાંક સારા વરસાદના પગલે રાજ્યના ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલા નડાબેટમાં ભારે વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના પગલે નડાબેટનું રણ દરિયામાં ફેરવાય ગયું છે. તો બીજી બાજું મહેસાણા જિલ્લામાં સતત બે દિવસથી મેઘ મહેર જોવા મળી રહી છે. મહેસાણા જિલ્લા સહિત તાલુકામાં સતત બે દિવસથી સામાન્યથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. મહેસાણાના કડી બેચરાજી ,સતલાસણા, વિજાપુર, ઊંઝા સહિતના તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના પગલે નિચાણવાળા વિસ્તારનો પાણીમાં ગરકાવ થયો છે.

સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજા મન મુકી બેટિંગ કર તા જોવા મળી રહ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે રાજકોટના આજી 2 સિંચાઈ યોજનાના રૂલ લેવાલ સપાટી જાળવવા ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા હતા. ડેમના દરવાજા ખોલતાની સાથે નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ કરવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લામાં સાર્વત્રિક વરસાદના પગલે કુલ 14 ડેમોમાં પાછલા એક દિવસમાં પાણીની ભારે માત્રમાં આવક નોંધાય છે. જેમાં ભાદર ડેમમાં 0.62 ફૂટ, વેણુ ડેમમાં 7.35 ફૂટ, આજી-3 ડેમમાં 3.41 ફૂટ,સોડવદર ડેમમાં 5.58 ફૂટ, સુરવો ડેમમાં 16.08 ફૂટ, મોજ ડેમ 4.20, ફોફળ ડેમ 2.40 ફૂટ, આજી-2 ડેમ 0.10 ફૂટ, સુરવો ડેમ 10 ફૂટ, ન્યારી-2 ડેમ 0.33, છાપરાવાડી-2 ડેમ 4.59 ફૂટ અને ભાદર-2 ડેમ 15.26 ફૂટ નવા નીરની આવક થઈ છે. તો પોરબંદરના ઘેડ પંથકના 19 ગામો હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે. ધોરાજીના ભાદર ડેમ 100 ટકા ભરાઈ જતા, હવે પછી ડેમમાં આવનાર પાણી પોરબંદરના ઘેડમાં પાણી ફરી વળશે. જેના પગલે તંત્ર એ ઘેડના 19 ગામોના લોકોને નદીના પટમાં કે પાણી ના પ્રવાહ તરફ આગળ નહિ વધવા સૂચના આપી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે મોરબીમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો છે. ત્યારે મોરબીના મચ્છુ 3 ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે મચ્છુ 3નો એક દરવાજો એક ખોલવામાં આવ્યો હતો. જેથી હાલ મચ્છુ 3 ડેમનો એક દરવાજો બે ફૂટ ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલમાં મચ્છુ ડેમમાં 1255 ક્યુસેક પાણીની આવક સામે 1674 ક્યુસેક પાણીની જાવક છે. મોરબી અને માળીયા મિયાણા તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા છે. નવસારી જિલ્લા ભારે વરસાદને કારણે પૂર્ણા નદી બે કાંઠે વહેતી થઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થયો છે.

હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી વિવિધ ભાગોમાં મેઘરાજા ધમધોકાર બેટિંગ ત્યારે આજે પણ હવામાન વિભાગે અમદાવાદ શહેરમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. બે સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના આગાહી છે. તેમજ આજે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.