નવી દિશા: ગ્રામ્ય ગુજરાતમાં મહિલાઓ માટે સશક્તિકરણની નવી પહેલ

ઈન્ટરનેશનલ સેન્ટર ફોર એન્ટરપ્રેન્યોરશિપ એન્ડ કરિયર ડેવલપમેન્ટ (ICECD), યંગ ફિક્કી લેડીઝ ઓર્ગેનાઇઝેશન (YFLO) અને રિવિયર ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ વચ્ચે ભાગીદારી હેઠળ “નવી દિશા” નામનો પરિવર્તનકારી પ્રોજેક્ટ ગુજરાતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓ અને બાળકોના સશક્તિકરણ માટે શરૂ કરવામાં આવ્યું છે.

  

આ પ્રોજેક્ટ એ મજબૂત માન્યતા પર આધારિત છે કે, આર્થિક સ્વાવલંબન અને સમયસર ક્ષમતા નિર્માણ એ સૌથી શક્તિશાળી સામાજિક પરિવર્તનના સાધનો છે. ઉદ્યોગ વ્યવસાય વિકાસ, જીવનકૌશલ્ય, શિક્ષણ અને આરોગ્ય અંગેના માહિતીસભર હસ્તક્ષેપ દ્વારા, ‘નવી દિશા’ પ્રોજેક્ટ હજારો જીવને સ્પર્શવા માટે ઉદ્દેશિત છે. જેમાં પ્રથમ પગથિયું ભાટ ગામ છે.

ICECDના ચેરપર્સન ડો. હીના શાહે કહ્યું કે, “ગ્રામ્ય સ્તરે 38 વર્ષના ઊંડા અનુભવ સાથે, ICECD જાણે છે કે પરિવર્તન એ એક વખતનો પ્રસંગ નથી, પણ તે સતત ચાલતી પ્રક્રિયા છે. YFLO અને રિવિયર ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ જેવા પ્રતિબદ્ધ ભાગીદારો સાથે મળીને ‘નવી દિશા’ શરૂ કરતા અમને ગૌરવ થાય છે.આ પ્રોજેક્ટ મહિલાઓને સ્વાવલંબન તરફ દોરી જશે અને બાળકો માટે પણ સર્વાંગી વિકાસના માર્ગો ખોલશે.”

YFLO, જે હંમેશાં મહિલાઓની આગેવાની હેઠળના વિકાસ માટે કાર્યરત રહી છે, પોતાનું મજબૂત નેટવર્ક અને સ્થળ પર આધારભૂત સહાય લાવે છે, જ્યારે રિવિયર ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ મુખ્ય પ્રાયોજક તરીકે જોડાઈને સમુદાયના ટકાઉ વિકાસ માટે પોતાની પ્રતિબદ્ધતા સાબિત કરે છે.

YFLOના ચેરપર્સન નેહા ગોયલે કહ્યુ કે, “મહિલાઓને સશક્ત બનાવવી હંમેશા મારા હૃદયના ખૂબ નજીક રહી છે. YFLOમાં મારી કાર્યકાળ દરમિયાન હું માત્ર પ્રતીકાત્મક ઇવેન્ટ્સ કરતા આગળ વધીને કંઈક ટકાઉ બનાવવા ઇચ્છતી હતી. વિમેન એન્ટરપ્રેન્યોરશિપ પ્રોગ્રામ એક સરળ પણ શક્તિશાળી માન્યતા પરથી ઉદ્ભવ્યો હતો. જ્યારે એક મહિલા આર્થિક રીતે સ્વતંત્ર બને છે, ત્યારે તે માત્ર પોતે નહિ, પણ આખું કુટુંબ અને સમુદાય ઊંચો થાય છે. આ કાર્યક્રમ કોઈ તાત્કાલિક ઉકેલ નથી, આ છે પેઢીગત પરિવર્તન. જ્યારે એક મહિલા પોતાની પગે ઉભી થાય છે, ત્યારે તેના બાળકોની દૃષ્ટિ બદલાય છે, તેમના માટે નવી દુનિયા ખુલે છે. એ જ સાચો સશક્તિકરણ છે. ટકાઉ, વ્યવહારુ અને આંતરિક રીતે પરિવર્તન લાવનાર.”

આ ત્રિપક્ષીય ભાગીદારી મહિલાઓને પોતાના વ્યવસાય શરૂ કરવા અને વિકસાવવાની તાલીમ આપવા, પરિવારોને પણ સાથે જોડવા અને બાળકો માટે સન્માનપૂર્ણ અને સંભાવનાભર્યા વાતાવરણ ઊભું કરવાની દિશામાં કાર્ય કરશે.

પ્રોજેક્ટનું ઉદ્ઘાટન ભાટ ગામમાં થયેલ સમારંભમાં થયું, જ્યાં સ્થાનિક આગેવાનો, ભાગીદારો અને ભાવિ મહિલા ઉદ્યોગસાહસિકો ઉપસ્થિત રહ્યા. આ એક નવી યાત્રાનું પ્રારંભ છે જે માત્ર રોજગાર નહીં પણ નવી દિશા તરફ લઈ જાય છે.