મહારાજ ફિલ્મને લઈ વિવાદના વંટોળ થમી રહ્યા નથી. યશરાજ ફિલ્મ્સનું આ મુવી નેટફ્લીક્સ પર રિલીઝ થવાનું હતું. આ ફિલ્મ 14 જૂનના રિલીઝ થવાની હતી. જેનું એક પોસ્ટર રિલીઝ થયું હતું. પોસ્ટર રિલીઝ થયાની સાથે જ વૈષ્ણવ સમાજનો ફિલ્મને લઈ આક્રોસ જોવા મળ્યો. વૈષ્ણવ સમાજનું કહેવું હતું કે, આ ફિલ્મમાં વૈષ્ણવ સંપ્રદાયને લઈ વિવાદીત ટિપ્પણી કરવામાં આવી છે.
ફિલ્મના પોસ્ટરથી શરૂ થયેલો વિવાદ હાઈકોર્ટના દરવાજા સુધી પહોંચ્યો. જે બાદ હાઈકોર્ટ દ્વારા ફિલ્મ પર સ્ટે લગાવવામાં આવ્યો. આ સ્ટે લાગ્યા બાદ સતત ત્રણ દિવસ સુધી હાઈકોર્ટમાં ફિલ્મ મહારાજ પર સુનવાણી ચાલી હતી. હાઈકોર્ટની આ સુનવણીમાં બંને પક્ષો તરફની દલીલ સાંભળ્યા બાદ અને ફિલ્મી જોયા બાદ હાઈકોર્ટે મહારાજ ફિલ્મને લીલી ઝંડી બતાવવામાં આવી હતી. જ્યારે આ ફિલ્મ પર લગાવેલા સ્ટેને હટાવ્યા બાદ ફિલ્મ નેટફ્લીક્સ પર રિલીઝ કરવામાં આવી છે.
મહારાજ ફિલ્મનો વિરોધ યથાવત્
ગુજરાત હાઇકોર્ટની લીલીઝંડી બાદ મહારાજ ફિલ્મને નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી છે. જોકે, તેમ છતા પણ આ ફિલ્મનો વિરોધ જોવા મળી રહ્યો છે.વડોદરા કલ્યાણરાય પુષ્ટિ હવેલીના ષષ્ઠપિઠાધિશ્વર વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી અમેરિકાના સિલિકોન વેલીમાં આવેલા નેટફ્લિક્સના હેડક્વાર્ટર પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. નેટફ્લિક્સ હેડક્વાર્ટરમાં મહારાજ ફિલ્મ વિરૂદ્ધ પિટિશન દાખલ કરવામાં આવી હતી. દ્વારકેશલાલે આ દરમિયાન કહ્યું કે, આ ફિલ્મમાં ભગવાન કૃષ્ણની ગુરુ પરંપરાનું અપમાન થયું છે. મહારાજ ફિલ્મ સનાતન ધર્મ પર વજ્રઘાત છે.