અમદાવાદઃ દેશના પૂર્વોત્તર રાજ્ય આસામમાં પૂરથી જાન-માલને ભારે નુકસાન થયું છે. આસામના 33 જિલ્લાના 5000થી વધુ ગામના કુલ ૪૨ લાખથી વધુ લોકોને અસર પહોંચી છે. આ પૂરમાં અબોલ પ્રાણી-પશુઓની સ્થિતિ દયનીય થઈ છે. જેથી પૂરગ્રસ્ત આસામમાં અબોલ પશુઓની તાત્કાલિક જરૂરિયાતોને સંતોષવા નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડે વેસ્ટ આસામ મિલ્ક યુનિયન (WAMUL) મારફતે આસામને 500 મેટ્રિક ટન પશુઓના ઘાસચારા માટે રૂ. 1.5 કરોડનું દાન આપવાનો નિર્ણય લીધો છે. NDDB દ્વારા સંચાલિત WAMULને તેના પુરવઠા નેટવર્કનો ઉપયોગ કરવા તથા ઘાસચારાના વિતરણ માટે સ્થાનિક સત્તા સાથે સંકલન સાધવા માટે જણાવવામાં આવ્યું છે.
NDDBના ચેરમેન મિનેષ શાહે આ કુદરતી હોનારતમાં જાનમાલ અને આજીવિકા ગુમાવનારા લોકો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. આસામના મુખ્ય પ્રધાન ડો. હેમંતા બિસ્વા સરમાના સક્ષમ નેતૃત્ત્વ હેઠળ સરકારે ફસાયેલા લોકોને બચાવવાની વ્યવસ્થા કરી અને પૂરગ્રસ્ત વિસ્તારોમાં અત્યંત આવશ્યક રાહત-સામગ્રીનું વિતરણ કરી જે પ્રકારે ઝડપી કામગીરી આદરી છે, તેને તેમણે બિરદાવી હતી. આ પૂરને કારણે પશુધન ગુમાવનારા લોકો તેમના નુકસાની વિગતો નોંધાવી શકે એ માટે પોર્ટલ લોન્ચ કરવાના પગલાની તેમણે સવિશેષ સરાહના કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે મનુષ્યો અને પશુધન પર આસામમાં આવેલા પૂરના પ્રભાવની કલ્પના પણ થઈ શકે તેમ નથી અને આપણે આટલા દૂર હોવા છતાં એ આપણને હચમચાવી નાખે તેમ છે. આ યોગદાન કુદરતી હોનારતના કમનસીબ પીડિતો પ્રત્યે NDDBની ઊંડી કટિબદ્ધતાનું પ્રતીક છે.