ભાવનગર- ભક્તોની પરમ આસ્થાનું કેન્દ્ર છે ભાવનગરના રાજપરામાં આવેલું ખોડિયાર માતાજીનું મંદિર. આમ તો ગુજરાતમાં દેવી ખોડિયારના અનેક મંદિર છે પણ આ મંદિરની વાત જ અનોખી છે. લોકમાન્યતા એવી છે કે માતા ખોડલ અહીં હાજરાહાજૂર છે. આવો આપણે જઈએ ભાવનગર અને નવરાત્રિમાં મા ખોડિયારનો મહિમા જાણીને દર્શન કરીએ…
ખોડિયાર માનું મંદિર શિહોરથી ૪ કિ.મી.ના અંતરે આવેલું છે. ભાવનગર રાજ્યના અગાઉના રાજવીઓની કુળદેવી ખોડિયાર માતાના સુવિખ્યાત મંદિર માટે રાજપરા જાણીતું છે. મંદિરને ૩૬ થાંભલા અને વિશાળ મંડપ છે, અનેહાલ તેનો વહીવટ ટ્રસ્ટ કરે છે.આ મંદિર સૌપ્રથમ ભાવનગરના રાજવી આતાભાઈ ગોહિલે બંધાવ્યું હતું. પછી 1914માં ભાવસિંહજી ગોહિલે એનું સમારકામ કરાવ્યું હતું.આ સ્થાનક આ વિસ્તારમાં ખૂબ મહાત્મ્ય ધરાવે છે જ્યાં રોજ અસંખ્ય ભક્તો માતા ખોડિયારના દર્શને આવી પોતાના દુખદર્દ ભૂલી જાય છે.
અહીં મંદિરે ખાસ કરીને રવિવારે અને મંગળવારે દર્શનનો વધુ મહિમા છે. મંદિર નજીક ખોડિયાર તળાવ છે, જેને સ્થાનિકો તાંતણીયા ધરા તરીકે ઓળખે છે. ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા આ ધરાની પ્રદક્ષિણા અવશ્ય કરે છે અને જ્યારે મનોકામના પૂર્ણ થઈ જાય ત્યારબાદ પણ મા ખોડિયારનો ઉપકાર માનતા ધરાની પ્રદક્ષિણા અવશ્ય કરે છે. આને લઇને ઘણાં ભક્તો લોકબોલીમાં તાંતણીયાખોડલ તરીકે પણ આ સ્થાનકને પૂજે છે. આ ધરામાં મગર રહે છે, જે મા ખોડિયારનું વાહન માનવામાં આવે છે જો તેના દર્શન થાય તો ખોડિયાર માએ પોતે દર્શન દીધાં જેટલો આનંદ ભક્તો અનુભવે છે.
આ સ્થાનકની નજીકમાં એક નાનો ડુંગર છે જ્યાં માનવામાં આવે છે કે માતા ખોડિયાર અને તેમની છ બહેનો બિરાજમાન છે. મા ખોડિયારની બહેનોના નામ આવડ,જોગડ, તોગડ, બીજબાઈ, ફૂલબાઈ, સાનબાઈ હતાં. પોતાના ભાઈને સર્પડંખના ઝેરથી બચાવવા જાનબાઈ પાતાળમાં અમૃત લેવા ગયાં હતાં અને તે લઇને આવતાં ઠેસ વાગી હોવાથી ઘેર પહોંચ્યાં ત્યારે લંગડાતાં હોવાથી અન્ય બહેનોએ તેમને ખોડલ આવી તેમ કહ્યું હતું જેને લઈને તેમનું નામ એ પરચા પછી દેવી તરીકે પૂજાઈને આઈ ખોડિયારના નામે જગબત્રીસીએ ચડ્યું હતું. એને પાતાળમાંથી અમૃત સાથે ધરામાંથી મગરના સહારે બહાર આવતાં આ ધરાનું પણ અનેકગણું મહાત્મ્ય પ્રસ્થાપિત થયું હતું. નવરાત્રિના નવ દિવસો માતૃશક્તિની આરાધનાના પવિત્ર દિવસ હોવાથી ભાવનગરની ધર્મપ્રેમીઓ માટે રાજપરા ખોડિયાર મંદિર અનેરો મહિમા ધરાવે છે.