બિહારીઓ પર હુમલોઃ ગુજરાતના સીએમ અને અલ્પેશ ઠાકોરની મુશ્કેલી વધી…

નવી દિલ્હીઃ ગુજરાતમાં બિહારના લોકો વિરુદ્ધ થયેલી હિંસા મામલે કોર્ટે પ્રદેશના મુખ્યપ્રધાન સહિત અલ્પેશ ઠાકોર વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે. મંગળવારના રોજ બિહારના મુઝફ્ફર નગર સ્થિત સ્થાનિક કોર્ટે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રુપાણી અને કોંગ્રેસના નેતા અલ્પેશ ઠાકોર વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે મુખ્યપ્રધાન રુપાણી અને અલ્પેશ ઠાકોરને પ્રવાસી બિહારીઓ વિરુદ્ધ હિંસા ભડકાવવાના આરોપી માન્યા છે.

મુઝફ્ફરપુરના સબ ડિવિઝનલ જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટ સબા આલમે આ આદેશ સામાજિક કાર્યકર્તા તમન્ના હાશ્મીની અરજી પર જાહેર કર્યો છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે મામલો કાંતિ પોલિસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 153,295 અને 504 અંતર્ગત નોંધવામાં આવે. જેમાં હિંસા ભડકાવવા, શાંતિ ભંગ કરવાનો અને અપમાનિત કરવાનો આરોપ છે.

ગત વર્ષે ગુજરાતમાં એક બાળકી સાથે દુષ્કર્મના આરોપ બાદ બિહારી સમુદાયના લોકો હુમલા શરુ થયા હતા. બિહારના લોકોને ગુજરાત છોડવાનું અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું હતું. આ દરમિયાન આરોપ લાગ્યા કે અલ્પેશ ઠાકોરના સંગઠન સાથે જોડાયેલા લોકોએ પ્રવાસી બિહારિઓ વિરુદ્ધ ખૂબ હિંસા કરી. જો કે અલ્પેશ ઠાકોરે આ આરોપનું ખંડન કર્યું હતું.