અમદાવાદઃ ભારતીય વિદ્યાભવન સંચાલિત હરિલાલ ભગવતી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્યુનિકેશન એન્ડ મેનેજમેન્ટ (HBICM) હવે વ્યવસાયલક્ષી કૌશલ શીખવા માટે નવા પાર્ટ-ટાઇમ અભ્યાસક્રમો કોરાના કાળમાં નવા કલેવરમાં નવી જરૂરિયાતોને ધ્યાનમાં રાખી રજૂ કરી રહી છે. ઉદ્યોગોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કોર્સમાં રાજ્યમાં આઇટી આઇટીઈએસ અને ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડસ્ટ્રીઝનું પ્રતિનિધિત્વ કરતા સર્વોચ્ચ આઇટી એસોસિયેશન ‘ગેસિઆ’ સાથે MOU કરવામાં આવ્યો છે તેમ જ ડિજિટલ માર્કેટિંગ એજન્સીનો સાથ પણ લેવામાં આવ્યો છે. આમાં ડિજિટલ મિડિયાને અભ્યાસક્રમમાં આવરી લેવામાં આવ્યું છે.
આ કંપનીઓ અને સંસ્થાઓ અભ્યાસક્રમ તૈયાર કરી સમયાંતરે અદ્યતન બનાવવામાં ભવન્સની મદદ કરશે. તેઓ નિષ્ણાતોને ફેકલ્ટી તરીકે મોકલશે અને વિદ્યાર્થીઓને તાલીમ તેમ જ ઇન્ટર્નશિપ આપશે અને અભ્યાસક્રમના અંતમાં પ્લેસમેન્ટમાં પણ ભાગ લેશે.વર્ષ 2021થી પત્રકારરત્વનો અભ્યાસક્રમ અંગ્રેજી મિડિયમમાં ડિજિટલ મિડિયાઃ જર્નાલિઝમ, સોશિયલ મિડિયા કન્ટેન્ટ એન્ડ માર્કેટિંગના નામ હેઠળ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત હોસ્પિટલ મેનેજમેન્ટ, હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન, પેશન્ટ મેનેજમેન્ટ, ફાર્મા સેલ્સ એન્ડ માર્કેટિંગ અભ્સાસક્રમો શરૂ કરવામાં આવશે.
આ કોર્સીસ માટે ભવન્સે અમદાવાદ સ્થિત ફાર્મા ક્ષેત્રની કન્સલ્ટન્સી અને તાલીમ આપતી જાણીતી પેઢી ટિવેઝ પ્રોજેક્ટ સાથે સમજૂતી કરાર કર્યો છે. ભવન્સે ચાલતા અભ્યાસક્રમોને કોવિડની પરિસ્થિને ધ્યાનમાં રાખીને નવો ઓપ આપ્યો છે અને આ કોર્સ એના દ્વારા ઓનલાઇન ચલાવવામાં આવે છે. વળી ઉદ્યોગોને માનવશ્રમ મળી રહે અને યુવાનોને રોજગારી મળી રહે એવા અભ્યાસક્રમો ભવન્સ દ્વારા ઉદ્યોગોની ભાગીદારી સાથે અમલીકરણના વિવિધ તબક્કામાં છે.