રાજ્યમાં બે લાખથી વધુ લોકોને આંખ આવી આરોગ્યપ્રધાન

અમદાવાદઃ રાજ્યનાં શહેરોમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો તો વકર્યો છે પણ એ સાથે રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કન્જક્ટિવાઇટિસના કેસમાં વધારો જોવા મળ્યો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે રાજ્યમાં બે લાખથી વધુ લોકો કન્જક્ટિવાઇટિસથી અસરગ્રસ્ત થયા છે.

તેમણે કહ્યું  હતું કે 2.17 લાખ કેસ કન્જક્ટિવાઇટિસના નોંધાયા છે. દવાઓનો જથ્થો પૂરતો રાજ્ય સરકાર પાસે છે. અન્ય 26 લાખ જેટલી દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત હાલ સરકાર પાસે ચાર લાખ જેટલી દવાઓનો સ્ટોક ઉપલબ્ધ છે. પરંતુ હવે કન્જક્ટિવાઇટિસના કેસમાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો છે. રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યના નાગરિકોને હાલના સમયમાં કન્જક્ટિવાઇટીસ રોગથી ગભરાવા નહીં, પરંતુ તકેદારી રાખવા વિનંતી કરી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આંખ આવી હોય ત્યારે આવી આઇકેપ્સ અજાણતા કોઈ પણ પ્રકારના માર્ગદર્શન વગર ન નાખવી જોઈએ. તે ક્યારેક જોખમી સાબિત થઈ શકે છે. આવી આઇકેપ્સ વાપરવા કરતાં તમારા ડોક્ટર્સ જે આઇડ્રોપ્સ સજેસ્ટ કરે તેનો ઉપયોગ કરવો જોઈએ. આવી આઇકેપ્સ સામાન્ય રીતે જૂના સમયમાં વપરાતી હતી.