સાંડેસરા કેસમાં એહમદ પટેલની EDએ ચોથી વખત પૂછપરછ કરી

નવી દિલ્હી/અમદાવાદઃ સાંડેસરા બંધુને સંડોવતા મની લોન્ડરિંગ કેસમાં એહમદ પટેલની ફરી એક વખત પૂછપરછ કરી છે. કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી) દ્વારા પટેલની આ ચોથી વખત પૂછપરછ કરવામાં આવી છે. આ પહેલા પણ ઈડીના અધિકારીઓએ પટેલના દિલ્હીસ્થિત નિવાસસ્થાને જઈને એમની પૂછપરછ કરી હતી.

વડોદરાની સ્ટર્લિંગ બાયોટેકના પ્રમોટર્સ સાંડેસરા બંધુઓના બેંક કૌભાંડ મામલે કથિત મની લોન્ડરિંગ કેસમાં ઈડી એજન્સીના અધિકારીઓએ કોંગ્રેસના વરિષ્ઠ અને વગદાર નેતા એહમદ પટેલની દિલ્હીના લુટિયન્સ ઝોન ખાતે આવેલા એમના નિવાસસ્થાને પૂછપરછ કરી હતી. એજન્સીના ત્રણ અધિકારીઓ આજે સવારે 11 વાગ્યે પટેલના નિવાસે પહોંચ્યા હતા.

અગાઉ 2 જુલાઈના રોજ પટેલની 10 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. અગાઉની ત્રણ વખતની પૂછપરછમાં ઈડીએ તેમને 128 પ્રશ્નો પૂછ્યા હતા. પટેલનું કહેવું કે, ‘આ બધું રાજકીય દુશ્મનાવટને કારણે મને અને મારા પરિવારને હેરાન કરવા કરાઈ રહ્યું છે, કોના દબાણથી આ બધું થઈ રહ્યું છે તેની મને ખબર નથી.’

અગાઉ 27 અને 30 જૂનના પણ ઈડીએ એહમદ પટેલના ઘેર જઈ એમની પૂછપરછ કરી હતી. ત્રણ વખતની તપાસમાં કુલ 27 કલાક સુધી એમની પર સવાલોનો મારો ચલાવવામાં આવ્યો હતો.

ઈડી તપાસમાં પટેલને સાંડેસરા બંધુઓ સાથે તેમના કથિત સંબંધો તેમજ તેમના પરિવાર સાથે નાણાકીય વહીવટને લઈને પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.

ગત વર્ષે ઈડીએ પટેલના પુત્ર ફૈઝલ તેમજ જમાઈ ઈરફાન એહમદ સિદ્દીકીની પણ આ કેસમાં પૂછપરછ કરી એમના નિવેદનો રેકોર્ડ કર્યા હતા.

દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં એહમદ પટેલના જમાઈ સિદ્દીકી જે ઘર ધરાવે છે તે કથિત રીતે ચેતન સાંડેસરાનું હોવાનું મનાય છે.