અમદાવાદઃ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સફળ રીતે પાર પડાયું  

અમદાવાદઃ દેશભરમાં કોરોનાના કેસ વધીને આઠ લાખને પાર થયા છે અને ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યા 40,000ને પાર થઈ ગઈ છે. આમાં પણ અમદાવાદ અને સુરતમાં કોવિડ-19ના દર્દીઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે ત્યારે આવા કોરોના કાળમાં પણ માનવતા મરી નથી પરવારી. આવા મુશ્કેલ સમયમાં પણ બે શહેરો વચ્ચેનું અંતર એક દર્દીને જીવન અને હ્દય આપવા માટે ખૂબ જ ઓછા સમયમાં કાપવામાં આવ્યું હતું. આવા કપરા સમયમાં અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ ડાયલેટેડ કાર્ડિયોમાયોપથીથી પીડિત 34 વર્ષીય એક મહિલાનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ (હ્દયનું પ્રત્યારોપણ) કરવામાં આવ્યું હતું.

 સુરતનો 24 વર્ષનો દાતા

સુરતમાં એક 24 વર્ષનો નવયુવાનને રોડઅકસ્માતમાં મગજની ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેના હ્દયનું દાન અમદાવાદની મહિલાને કરવામાં આવ્યું હતું. આ માટેની સુરતમાં ઓર્ગન ડોનેશનની સુવિધા ડોનેટ લાઇફ સંસ્થાના નીલેશ માંડલેવાળા દ્વારા કરવામાં આવી હતી.

તમામ પ્રોટોકોલનું સખત રીતે પાલન

અમદાવાદની સિમ્સમાં હ્દયનું ટ્રાન્સપ્લાન્ટ કરતી વખતે નવી નોટ્ટો (NOTTO)ની માર્ગદર્શિકાના તમામ પ્રોટોકોલનું કડક રીતે પાલન કરવામાં આવ્યું હતું. સિમ્સ હોસ્પિટલની ટ્રાન્સપ્લાન્ટ ટીમના ડિરેક્ટર, હાર્ટ ટ્રાન્સપાપ્લાન્ટ સર્જન ડો. ધીરેન શાહ કહે છે કે ડોક્ટરો, કર્મચારીઓ, અંગ દાતા અને અંગ પ્રાપ્તકર્તાનું કોવિડ-19 માટેનું પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું અને સર્જરી દરમ્યાન લેવલ ત્રણ PPE કિટ પહેરવામાં આવી હતી.

હવામાન અવરોધ પણ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સફળ

સિમ્સ હોસ્પિટલના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટના સર્જન ડો. ધવલ નાયકે કહ્યું હતું કે સુરત અને અમદાવાદમાં વરસાદને કારણે અવરોધ સર્જાયો હતો, પણ અમદાવાદમાં હાર્ટ પહોંચ્યા પછી 3.35 મિનિટમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યું હતું.

હાલમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી સફળ થઈ છે અને દર્દી હિમોડાઇનેમિકલી સ્થિર છે.