સુરતઃ ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લીમીન (AIMIM) પાર્ટીના વડા અસદુદ્દીન ઓવૈસી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પોતાની પાર્ટીના પ્રચાર માટે અહીં આવ્યા હતા. સુરત-પૂર્વ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા પોતાની પાર્ટીના ઉમેદવારના પ્રચાર માટે એમણે ગયા રવિવારે જાહેર સભાનું આયોજન કર્યું હતું, પરંતુ એમને માટે શરમજનક પરિસ્થિતિ ઊભી થઈ હતી.
હૈદરાબાદના સંસદસભ્ય ઓવૈસીની સભા ચાલુ હતી એ જ વખતે કેટલાક લોકોએ કાળા વાવટા ફરકાવવાનું શરૂ કર્યું હતું. ઓવૈસીએ જેવું ભાષણ શરૂ કર્યું કે એ લોકોએ ‘મોદી-મોદી’ના નારા લગાવવાનું શરૂ કર્યું હતું. લઘુમતી કોમના જ એક યુવકે ‘ઓવૈસી વાપસ જાઓ’ સૂત્ર દર્શાવતું પ્લેકાર્ડ બતાવીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.