અમદાવાદઃ સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપતા ભાજપને બહુ મોટો ફટકો પડ્યો છે. કેતન ઈનામદારે જણાવ્યું કે મારા વિકાસના કામો થઈ રહ્યા નથી અને એટલે જ હું રાજીનામું આપું છું. આ સાથે જ તેમણે સરકારી તંત્ર અને વહીવટી તંત્ર સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, તેઓ ઉપર સુધી રજૂઆતો કરી ચૂક્યા છે અને આમ છતા પણ મારા વિસ્તારમાં વિકાસના કાર્યો થયા નથી. આ ઉપરાંત તેમણે વહીવટી તંત્ર સામે પણ પોતાનો રોષ પ્રગટ કર્યો હતો.
કેતન ઇનામદારે પોતાની અવગણના થઇ રહી હોવાની હૈયાવરાળ સાથે ઇમેઇલ મારફતે પોતાનું રાજીનામું પક્ષ અને વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને મોકલી આપ્યું છે. કેતન ઇનામદાર ઘણા સમયથી પક્ષ સામે અસંતોષ વ્યક્ત કરી ચુક્યા છે. સાંસદ રંજના બેન ભટ્ટ દ્વારા અગાઉ અનેક વખત તેમનાં મનામણા કરવામાં આવ્યા હતા. જો કે આખરે અસંતોષ અને અવગણનાને કારણે તેમણે રાજીનામું આપી દીધું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, બે ટર્મથી ધારાસભ્ય કેતનભાઇ અગાઉ પણ પોતાની અવગણના થઇ રહી હોવાની રજુઆત પક્ષ અને સાંસદો સહિતનાં અનેક લોકો સમક્ષ કરી ચુક્યા છે.
કેતન ઇનામદારે પોતે લખેલા પત્રમાં વસવસો વ્યક્ત કરતા જણાવ્યું કે, હું જે જનતાનો પ્રતિનિધિ છું તેનાં જ કામો નથી થઇ રહ્યા. મારી વારંવાર રજુઆતો કરવામાં આવી હોવા છતા પણ તેમની અવગણના થઇ રહી હોવાનું તેમણે રટણ કર્યું હતું. આ ઉપરાંત અધિકારીઓ પણ તેમની અવગણનાં કરતા હોવાનો વસવસો ઠાલવ્યો હતો. હાલ તો તેમનાં રાજીનામાને પગલે સમગ્ર ભાજપ અને ગુજરાતનું રાજકારણ ગરમાઇ ચુક્યું છે. તેમને મનાવવા માટે ભાજપનાં ઉચ્ચ કક્ષાનાં નેતાઓને તેમનાં સાવલી ખાતેનાં નિવાસ સ્થાને દોડાવવામાં આવ્યા છે.
