સૂરતઃ બાળકોની રમતરમતમાં ક્યારેક એવી ઘટના ઘટી જાય છે જે શોકનો માતમ સર્જી દે છે. સૂરતના ડીંડોલીમાં માનસી રેસિડન્સીના રહીશો માટે એવો બનાવ બન્યો હતો. રમવા માટે બહાર નીકળેલાં બે ભૂલકાંના બંધ કારમાં પડેલાં મૃતદેહો મળી આવ્યાં હતાં. અમદાવાદ પાર્સિંગ ધરાવતી આ કાર છેલ્લા બે દિવસથી બંધ હાલતમાં હતી. બંને બાળકો પૈકી એકનું નામ વિરાજ જરીવાલા છે જે ચાર વર્ષનો હતો જ્યારે બીજા બાળકનું નામ હેલિશ રૂપાવાલા જે પાંચ વર્ષનો હતો.આ બંને બાળક અલગઅલગ પરિવારના છે અને સોમવારે બપોરે દુકાને વસ્તુ લેવા ગયા બાદ ગુમ થઇ ગયાં હતાં. પોલિસને જાણ કરતા તપાસ દરમિયાન પાર્ક કરેલી કારમાંથી બંને બાળકોની લાશ મળી આવી હતી. પોલીસ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલિસે દુકાન નજીક લગાવેલા સીસીટીવીની તપાસ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે નજીક પાર્ક કરેલી કાર જોઇ હતી. જેથી પોલીસે આ કારની તપાસ કરતાં કારની પાછલી સીટમાંથી બંને બાળકો બેભાન હાલતમાં મળ્યાં હતાં. પોલીસે બંને બાળકને હોસ્પિટલ ખસેડ્યાં હતાં, જ્યાં તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતાં. માનસી રેસિડેન્સીમાં રહેતા એસ્સારના કર્મચારીની કારમાંથી બંને બાળકો સાંજના છ વાગ્યાની આસપાસ મળ્યાં હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. રમતાં રમતાં બંને બાળકો કારમાં બેસી ગયા હતાં અને કાર લોક થઇ ગઈ હશે તેથી શ્વાસ રૂંધાવાના કારણે મોત થયાં હોવાની પોલીસને આશંકા છે.