ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ ઊભી થતાં રાજ્ય સરકારે તમામ કર્મચારીઓની રજાઓ રદ કરી, તાત્કાલિક ફરજ પર હાજર થવાના આદેશ આપ્યા હતા. જોકે, 10 મે, 2025ના રોજ બંને દેશોએ સીઝફાયરની જાહેરાત કરતાં સ્થિતિ સામાન્ય બની. આને પગલે રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓ અને અધિકારીઓની રજાઓ મંજૂર કરવાનો નિર્ણય લીધો છે.
આ નિર્ણયથી સરકારી કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જોકે, અનિવાર્ય સંજોગોમાં ફરજ પર હાજર થવું ફરજિયાત રહેશે. વધુમાં, રજા દરમિયાન તમામ કર્મચારીઓએ ફોન અને ઈ-મેલ દ્વારા સતત ઉપલબ્ધ રહેવું પડશે, જેથી કોઈપણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક સંપર્ક કરી શકાય.
ઉલ્લેખનીય છે કે, તણાવના સમયે રાજ્ય સરકારે તમામ વિભાગો, ખાતાઓ, બોર્ડ, નિગમો, પંચાયત, કોર્પોરેશન તેમજ સ્વાયત્ત અને અનુદાનિત સંસ્થાઓના કર્મચારીઓની અનિવાર્ય સંજોગો સિવાયની તમામ રજાઓ તાત્કાલિક અસરથી રદ કરી હતી. આ આદેશથી રાજ્યના હજારો કર્મચારીઓને ફરજ પર પાછા ફરવું પડ્યું હતું. હવે સ્થિતિ સામાન્ય થતાં રજાઓની મંજૂરીથી કર્મચારીઓને રાહત મળી છે, પરંતુ તેઓએ કટોકટી માટે હંમેશા તૈયાર રહેવાનું રહેશે.
