ગુજરાતમાં હવામાન વિભાગે આગામી પાંચ દિવસો માટે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરી છે. અને આગાહી પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે. પાછલા 24 કલાકમાં રાજ્યના 159 તાલુકામાં વરસાદ નોંધઘાયો હતો. હવામાન વિભાગે રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ઓરેન્જ તેમજ રાજ્યના અન્ય જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે. ત્યારે આજે પણ રાજ્યભરમાં મેઘમહેર થવાની શક્યતા છે. જેને પગલે આજે રાજકોટમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. ગઈકાલે સુરત સહિત દ.ગુજરાતમાં તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો હતો. આજે સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 159 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ નવસારીમાં સવા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં આજે સવારે 6થી 8 વાગ્યા સુધીમાં રાજ્યના 22 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધી નવસારીમાં 17 MM, જલાલપુરમાં 11 MM, ગીરસોમનાથમાં 7 MM, વાગરામાં 6 MM સહિત અન્ય તાલુકામાં પણ હળવો વરસાદ વરસ્યો હતો. તો રાજકોટમાં મેઘ રાજાની ધમાકેદાર બેટીંગ જોવા મળી હતી. જ્યારે અમરેલીના રાજુલામાં ભારે વરસાદના પગલે મુખ્ય બજારમાં વરસાદી પાણી વહેતા થયા હતા.
દ.ગુજરાતમાં નવસારી સહિતના જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો હતો. જેમાં સુરત જિલ્લામાં ગઈકાલે વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ હતી. હવામાન વિભાગની આગાહી અનુસાર સુરતમાં ગઈકાલે વહેલી સવારથી જ મેઘરાજાએ પધરામાણી કરી હતી. વરાછા, અઠવાલાઈન, રાંદેર, અમરોલી સહિત સમગ્ર શહેરમાં સવારે ધીમીધારે વરસ્યા બાદ ધોધમાર વરસાદ પડ્યો હતો.
ઉલ્લેખનીય છે આગામી ચાર દિવસ માટે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. જેમાં આવતી કાલની વાત થાય તો, આવતી કાલે એટલે 30 જૂનના અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, દમણમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાતના કેટલાક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ થવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે.