હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં સતત ત્રીજા દિવસે નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. સતત બફારા બાદ અમદાવાદમાં મેઘ મહેરથી શહેરમાં ઠંડક પ્રસરી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યભરમાં 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. શુક્રવારે મેમ્કો-નરોડા વિસ્તારમાં બે ઈંચ ઉપરાંત વરસાદથી અનેક વિસ્તાર પાણીમાં ભરાયા હતા. જ્યારે આજે વહેલી સવારથી અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહી છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાનું શરૂ થઇ ગયું છે. તો બીજી તરફ મીઠાખળી અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યો છે.
શહેરમાં વહેલી સવારથી અનેક વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજે સવારે 6 વાગ્યાથી લઇને 10 વાગ્યા સુધીમાં સરેરાશ પોણો ઇંચથી લઇને બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. શહેરના નરોડા વિસ્તારમાં 4 કલાકમાં સૌથી વધુ બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે કોતરપુર અને મેમ્કો અને ચાંદખેડામાં દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. તો બીજી તરફ સાયન્સ સીટી અને ગોતામાં એક-એક ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સરખેજ, મકરબા, પ્રહ્લલાદ નગર, વેજલપુર, જીવરાજ પાર્ક, ગોતા, શ્યામલ, સાયન્સ સિટી, થલતેજ, બોપલ, ઘુમા, શિલજ, સેટેલાઇટ, ચાંદખેડા, રાણીપ, વાડજ, ઘાટલોડિયા, ચાંદલોડિયા, ચાણક્યપુરી, નરોડા, કુબેરનગર, એરપોર્ટ, કોતરપુર, મેમ્કો, સૈજપુર સહિત શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસસ્યો છે.
ગુજરાત અમદાવાદ સહિત 154 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યાં સુરતમાં પણ ફરી મેઘરાજાનું આગમન થયું છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં સર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. તો બીજી બાજુ વડોદરા શહેરમાં ગતરોજ વરસેલા છુટા છવાયા વરસાદ બાદ આજે વહેલી સવારથી જ શહેરમાં વરસાદી પડી રહ્યો છે. દક્ષિણ, મધ્ય, ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠાના વડગામમાં 4.40 ઈંચ વરસાદ નોંધાયો છે. નડીયાદ અને મેધરાજમાં 4 ઈંચ, બગસરામાં 3.81 ઈંચ, મહુધામાં 3.62 ઈંચ, દેહગામમાં 3.54 ઈંચ, અમીરગઢમાં 3.50 ઈંચ અને ગોધરમાં 3.26 ઈંચ જોટલો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ પ્રમાણે આજે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. જેમાં દક્ષિણ ગુજરાતના દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, વલસાડ, નવસારી, ડાંગ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદને પગલે ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 25મી ઓગસ્ટે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ અને નર્મદા જિલ્લામાં અતિભારે વરસાદને પગલે ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ગુજરાતના બાકી વિસ્તારમાં સામાન્યથી ભારે વરસાદ નોંધવાની શક્યતા છે.