રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ગુજરાતના કેટલાક વિસ્તારમાં મેઘ મહેર જોવા પણ મળી રહી છે. ત્યારે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં 12 જૂન સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ગતરોજ વહેલી સવારથી જ વલસાડથી શરૂ થયેલી મેઘમહેર સમગ્ર રાજ્યમાં જોવા મળી રહી હતી. ગુજરાતના ચારેય ઝોનમાં ભારેથી સામાન્ય વરસાદ વરસ્યો હતો.
ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ છાંટાથી લઈ ભારે વરસાદ જોવા મળ્યો. નોંધનીય છે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 72 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ તાપીમાં પોણા ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. તેમજ વલસાડ જિલ્લામાં રાત્રે પણ વરસાદ જોવા મળ્યો હતો. ભારે વરસાદથી વલસાડ અને તાપામાં વરસાદી પાણી વહેતા થયા.
રાજ્યમાં વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે, પરંતુ પ્રથમ વરસાદમાં જ રાજ્યના અલગ-અલગ વિસ્તારમાં 5 લોકોનાં મોત થયાં છે. ભરૂચમાં વૃક્ષ નીચે દબાઈ જતાં ત્રણનાં મોત તો વડોદરામાં વીજળી પડતા એકનું મોત જ્યારે અમરેલીમાં એક બોલેરો ગાડી તણાઈ જતા બોલેરો ચાલકનું મોત નીપજ્યું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આજે અમદાવાદ, બોટાદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ સહિતમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વરસાદ વરસી શકે છે.