સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘ મહેર..

રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી બાદ ચોમાસું થોડું નબળું પડતુ જોવા મળ્યું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં ચાર દિવસ વહેલુ ચોમાસું બેસી ગયું છે. પણ ચોમાસાની વિધિવત રીતે એન્ટ્રી થતા સાથે જ ચોમાસું નબળુ પડ્યું હોય તેવી માહિતી હવામાન વિભાગ તરફથી મળી રહી હતી. જ્યારે આજની વાત કરીએ ત્યારે આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો.

હવામાન વિભાગ તરફથી મળતી માહિતી અનુસાર રાજ્યમાં વિધિવત ચોમાસાના આગમન બાદ પણ ગુજરાત પર કોઈ એવી ધમાકેદાર વરસાદની સિસ્ટમ સર્જાય નથી રહી. આજે રાજકોટ, શાપર વેરાવળ,વલસાડ, લીંબડી સહિત વિસ્તારોમાં હળવા-ભારે વરસાદી ઝાપટાં વરસ્યા હતા. તો બીજી બાજું બોટાદના રાણપુરમાં પણ વરસાદી ઝાપટું વરસ્યું હતું.  ઉલ્લેખનીય છે કે સૌથી વધારે વરસાદ વલસાડમાં 16 મિ.મિ.અને લીંબડીમાં 6 મિ.મિ. આજે રાત્રિ સુધીમાં નોંધાયો છે જ્યારે કપરાડા, વાપી, બારડોલી સહિત પથકમાં ઝાપટાં વરસ્યા હતા.

હવામાન વિભાગ અનુસાર સુરત, નવસારી, વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં અને અમરેલી, ભાવનગર સહિત સૌરાષ્ટ્રના કાંઠાળ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની વરસવાની ચેતાવણી આપવામાં આવી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદના અભાવે તાપમાનનો પારો ઉંચો રહ્યો છે. આજે સૌથી વધુ તાપમાન 41.9 ડિગ્રી વલ્લભ વિદ્યાનગરમાં જ્યારે 41.5 ડિગ્રી અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં નોંધાયું હતું. ગાંધીનગર, રાજકોટમાં પણ તાપમાનનો પારો 41ને પાર જોવા મળ્યો હતો. નોંધનીય છે કે હાલ પવનની ગતિ 40થી 50 કિમી નોંધવામાં આવી છે.