ગુજરાતમાં ફરીથી ઉઠી અનામતની માંગ, આ સમાજના લોકોએ એકઠા થયા

અમદાવાદઃ ગુજરાતમાં રાજ્યમાં ફરીથી એકવાર અનામતની માંગ મજબૂત રીતે ઉઠી છે. રાજકોટ ખાતે લોકરક્ષક દળની ભરતીમાં અન્યાય થયો હોવાના આરોપો સાથે રબારી, ભરવાડ અને ચારણ સમાજના લોકો હજારોની સંખ્યામાં લોકો રાજકોટ ખાતે એકઠા થયા હતા. આ ત્રણેય સમાજના આગેવાનો દ્વારા અનામતની માંગને લઈને જાહેરસભા કરવામાં આવી હતી. તમામ દ્વારા અનુસુચિત જાતિમાં સમાવવા માગ કરી હતી.

રબારી, ભરવાડ અને ચારણ સમાજ દ્વારા કરવામાં આવેલી આ રેલીમાં હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉમટી પડ્યા હતા. ત્રણેય સમાજના આગેવાનો દ્વારા જાહેર સભાને સંબોધવામાં આવી રહી છે. અને સંબોધન બાદ હજારોની સંખ્યામાં તે રેલીનું સ્વરૂપ લેશે. જો કે, હજુ સુધી પોલીસે આ રેલીને મંજૂરી આપવામાં આવી નથી.

પણ ત્રણેય સમાજ ભેગા મળી અનુસુચિત જાતિમાં સમાવવા અંગે કલેક્ટરને આવેદન આપવા માટે જશે. લોકરક્ષક દળની ભરતીમાં માલધારી સમાજ છેલ્લા ઘણા સમયથી વિરોધ કરી રહ્યો છે. અને ભરતીમાં માલધારી સમાજને સતત અન્યાય થયો હોવાનો તેઓ જણાવી રહ્યા છે.

મોરબી રોડથી કલેક્ટર કચેરી સુધી ત્રણેય સમાજના લોકો આગેવાનો સાથે ચર્ચા કર્યા બાદ રેલી કાઢશે. સૌરાષ્ટ્રભરમાંથી અલગ અલગ વિસ્તારોમાંથી ત્રણેય સમાજના મોટી સંખ્યામાં લોકો ભેગા થયા છે. જો કે, LRD ભરતી પહેલાં પણ માલધારી સમાજ દ્વારા અનુસુચિત જાતિમાં સમાવવા માટે પ્રદર્શન થતું આવ્યું છે.