અમદાવાદઃ ગુજરાત સાહિત્ય અકાદમી આયોજિત ભારતીય અસ્મિતાના જનક શ્રીરામની ભાવપૂર્ણ વંદનાનો મહાઉત્સવ ‘રામસભા’ ૧૭, ૧૮,૧૯ અને ૨૦ જાન્યુઆરી, ૨૦૨૪, દરરોજ સાંજે છ કલાકે એમ્ફી થિયેટર, ગુજરાત યુનિવર્સિટીમાં યોજવામાં આવ્યો છે. આ ભવ્ય અને દિવ્ય કાર્યક્રમમાં પ્રવેશ નિ:શુલ્ક રહેશે. આ કાર્યક્રમના અધ્યક્ષ જાણીતા વક્તા-લેખક ભાગ્યેશ જહા અને અતિથિવિશેષ ગુજરાત યુનિવર્સિટીનાં કુલપતિ ડો. નીરજા ગુપ્તા રહેશે.
આ ચતુર્થ દિવસીય કાર્યક્રમમાં વિશ્વપ્રસિદ્ધ ગાયિકા મૈથિલી ઠાકુર, ઓસમાણ મીર, હાર્દિક દવે, પંડિત નીરજ પરીખ ઈત્યાદિ રામભજનોની પ્રસ્તુતિ કરશે. રાષ્ટ્રપતિ પુરસ્કારથી સન્માનિત સર્જક ડો. વિજય પંડ્યા, ડો. હર્ષદેવ માધવ ‘ભારતીય સંસ્કૃતિના અગ્રદૂત રામ’ વિશે વકતવ્ય આપશે. ‘લોકજીવનમાં રામ’ વિશે અરવિંદ બારોટ અને ‘રામ રક્ષા સ્તોત્ર’ વિશે તુષાર વ્યાસ વાત કરશે. જાણીતા કવિ તુષાર શુક્લ, નીતિન વડગામા અને રક્ષા શુક્લ કાવ્યપઠન કરશે. ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવ ‘રામસભા’નું સંકલન કરશે અને સુપ્રસિદ્ધ કવિ હરદ્વાર ગોસ્વામી સંચાલન કરશે. કલારસિકોને જાહેર નિમંત્રણ છે.
