આંતરાષ્ટ્રીય બ્રિક્સ યુથ સમિટમાં ભારતીય યુવા પ્રતિનિધિમંડળનું નેતૃત્વ માધીશ પરીખે કર્યું

બ્રિક્સ યુથ એલાયન્સના ડાયરેક્ટર અને રાષ્ટ્રીય યુવા પુરસ્કાર વિજેતા એવા ગુજરાતના માધીશ પરીખે તાજેતરમાં રશિયાના ઉલ્યાનોવસ્ક ખાતે યોજાયેલ આંતરાષ્ટ્રીય બ્રિક્સ યુથ સમિટ 2024 માં 14 સભ્યોના ભારતીય યુવા પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું. ભારત સરકારના આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ભારત સરકારના યુવા બાબતો અને રમત- ગમત મંત્રાલયના સંયુક્ત સચિવ નિતેશ કુમાર મિશ્રાએ કર્યું હતું.

10મી આંતરાષ્ટ્રીય બ્રિક્સ યુથ સમિટે મૂળ બ્રિક્સ રાષ્ટ્રો- બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા અને નવા સમાવિષ્ટ સભ્યો ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન, સંયુક્ત આરબ અમીરાત અને સાઉદી અરેબિયાના યુવા પ્રતિનિધિઓએ ભાગ લીધો. આ વાર્ષિક સમિટ, વૈશ્વિક પડકારોનો સામનો કરવા, આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત કરવા અને બ્રિક્સ દેશો વચ્ચે વિકાસને આગળ ધપાવવા માટે એક વાઇબ્રન્ટ ફોરમ તરીકે કામ કરે છે. આ વર્ષની સમિટ શિક્ષણ, ઇનોવેશન અને ટેકનોલોજી, યુવાનો માટે આર્થિક તકો, સ્વયંસેવા, બ્રિક્સ દેશો માટે યુવા નીતિ અને રમતગમત જેવી થીમ પર કેન્દ્રિત હતી.

ભારત સરકાર વતી સમિટના પ્લેનરી સત્રમાં ઉદ્ઘાટન સંબોધન દરમિયાન, ભારતીય યુવા પ્રતિનિધિમંડળના વડા, મધિશ પરીખે જણાવ્યું હતું કે, “બ્રિક્સ યુથ સમિટ નવી પેઢીની આશાઓ અને આકાંક્ષાઓનો અવાજ બની છે. બ્રિક્સ વિશ્વની લગભગ અડધી વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. આ પ્લેટફોર્મ વિશ્વને હકારાત્મક રીતે પ્રભાવિત કરવાની અપાર ક્ષમતા ધરાવે છે, ખાસ કરીને તેના યુવાનો દ્વારા.

આંતરાષ્ટ્રીય બ્રિક્સ યુથ સમિટમાં ભારતે આંત્રપ્રિન્યોરશિપ ટ્રેકમાં નોંધપાત્ર યોગદાન આપ્યું. નિતેશ કુમાર મિશ્રાએ ટ્રેકની અધ્યક્ષતા કરી અને ઉદ્યોગસાહસિકતામાં ભારતની સફળતાની પ્રશંસા કરી. માધીશ પરીખે વર્કશોપ દરમિયાન ભારતની સિદ્ધિઓ પર પ્રકાશ પાડયો હતો. જેમાં ભારત સરકારની અટલ ઈનોવેશન મિશન જેવી પહેલો રજૂ કરવામાં આવી હતી, જે કિશોરોમાં ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપે છે, વ્યવસાયો દ્વારા UPIના માધ્યમથી સરળ નાણાંકીય આપ લે અને યુવા સાહસિકોને ટેકો આપતી સ્ટાર્ટઅપ ઈન્ડિયા સ્કીમ વિષે વિસ્તૃત માહિતી આપી.

બ્રિક્સ પહેલમાં કિશોરોને સામેલ કરવા, આંતર-બ્રિક્સ શૈક્ષણિક સહકાર વધારવા, યુવા ઉદ્યોગસાહસિકો વચ્ચે સહયોગને મજબૂત કરવા, STEM શિક્ષણને પ્રોત્સાહન આપવા, બ્રિક્સ યુવાનો માટે યુવા સ્વયંસેવી પ્લેટફોર્મની સ્થાપના અને બ્રિક્સ યુવાનો માટે રમત-ગમતની પહેલ શરૂ કરવા જેવા મુખ્ય વિચારો સમિટના ઘોષણાપત્રમાં સામેલ થયા જે બ્રિક્સના તમામ સભ્ય દેશો દ્વારા સર્વસંમતિથી સ્વીકારવામાં આવ્યા.

ભારત પરત આવતા, ભારતીય પ્રતિનિધિમંડળને ભારત સરકારના યુવા બાબતો અને રમત-ગમતના મંત્રી મનસુખ માંડવિયા દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા. યુવા પ્રતિનિધિમંડળે તેમના અનુભવો અને સમિટમાંથી મળેલી આંતરદૃષ્ટિ માનનીય કેન્દ્રીય મંત્રી સાથે શેર કરી. આ મીટિંગ દરમિયાન, પ્રતિનિધિઓએ ભારત સરકારના નવા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ, ‘ માય ભારત’ પોર્ટલ પર માનનીય મંત્રી સાથે ચર્ચા કરી અને તેમના સૂચનો પ્રસ્તુત કર્યા. આ પોર્ટલનો ઉદ્દેશય ભારતના યુવાનો માટે એક વ્યાપક તક શોધવા હેતુ પ્લેટફોર્મ વિકસાવવાનો છે, તેમજ તેમને હશૈક્ષણિક સંસાધનો, ઉદ્યોગસાહસિકતાની તકો અને સ્વયંસેવી પહેલો સાથે જોડવાનો છે.