અમદાવાદઃ અમદાવાદમાં કોરોનાની વચ્ચે આજે બે વર્ષના વિરામ બાદ ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા નીકળી હતી. કોરોનાને લીધે રથયાત્રા દરમ્યાન પ્રજા માટે કરફ્યુ રાખવામાં આવ્યો હતો. જોકે ચાર કલાકમાં જ 22 કિલોમીટર ફરીને ભગવાનના ત્રણેય રથ નગરચર્યા કરીને નિજ મંદિરે પરત આવી પહોંચ્યા હતા. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મંદિર પરિસરમાં સોનાની સાવરણી સાથે પરંપરાગત રીતે પહિંદ વિધિ કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ દરમિયાન ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા. પહિંદ વિધિ બાદ મંદિરથી નીકળેલી રથયાત્રા સરસપુર આવી પહોંચી હતી. જ્યાં ભગવાનનું મામેરું ભરવામાં આવ્યું હતું અને પછી ભગવાનને મોસાળમાંથી વિદાય આપવામાં આવી હતી. આયોજન મુજબ રથયાત્રા બપોરે 12 વાગ્યા સુધી પરત આવવાની હતી, પરંતુ નિયત સમયના એક કલાક પહેલા જ રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પૂરી થઈ છે. રથયાત્રા દરમિયાન લોકોએ પણ સ્વૈચ્છિક નિયમોનું પાલન કર્યું અને ઘરે રહીને જ ભગવાન જગન્નાથજીનાં દર્શનનો લાભ લીધો હતો.
રથયાત્રાની પરંપરાગત વિધિઓ વહેલી સવારે ચાર વાગ્યાથી શરૂ થઈ ગઈ હતી. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મંગળા આરતી કરી હતી. આ દરમિયાન રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા.
જગન્નાથ મંદિરના મુખ્ય મહંત દિલીપદાસજીએ પ્રસાદ તરીકે માસ્કનું વિતરણ કર્યું હતું. દિલીપદાસજી જીપમાં સવાર થઈને મંદિરેથી નીકળ્યા ત્યારે પણ પ્રદીપસિંહ સહિતના લોકોને માસ્ક આપતા નજરે પડ્યા હતા.
મુખ્ય પ્રધાન રૂપાણીએ કહ્યું હતું કે આજે અષાઢી બીજે ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ થયો છે. ભગવાન આશીર્વાદ આપે અને આપણે કોરોના રોગચાળામાંથી જલદી બહાર આવીએ. ગુજરાત સૌથી પહેલાં કોરોના મુક્ત બને તેવા પ્રકારના ભગવાન પાસે આશીર્વાદ માગીએ. આજે કચ્છીઓનું નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે. જેમને ખૂબ-ખૂબ શુભકામના.