જ્યારે અખબાર વિના કવિની આંગળીઓને ઓછું આવે…

આમ તો ઘરમાં રોજ સવારે છાપું આવે એ સામાન્ય ઘટના છે, પણ એક સર્જક માટે તો સામાન્ય એ જ અસામાન્ય અને અસામાન્ય એ જ સામાન્ય હોય!

આ જૂઓને, કોરોનાના કહેરમાં પ્રિન્ટીંગ અને વિતરણની મુશ્કેલીઓના કારણે મોટાભાગના અખબારોનું પ્રિન્ટીંગ બંધ છે અને વાચકો માટે હાલ ટેલિવિઝન ઉપરાંત ડિજીટલ અખબારો-વેબસાઇટસ એ જ સમાચારો મેળવવાનું માધ્યમ છે ત્યારે અમદાવાદસ્થિત કવિ તુષાર શુક્લ ઘેર બેઠાં બેઠાં છાપા વગર કેવીક ફિલીંગ અનુભવે છે એ વાત કવિએ કવિતાના જ માધ્યમથી વ્યક્ત કરી છે. માણો ત્યારે…

 

———————————————————

ઘેર બેઠાં

આટલાં બધાં તો અમે મંગાવતાંય નથી , ભૈ !

( e – newspaperનો ખડકલો થઇ જાય છે વોટ્સએપ પર )

એક મિત્રને ખખડાવ્યોય ખરો :
કેમ મોડું થયું આજે ? ? )

છાપાના હેવાયી આંખોને સારું તો લાગે છે
પણ
આંગળીઓને ઓછું આવે છે !
હોઠ પણ ભીના સૂકાય છે ,
ને જીભ સ્વાદ વગર.
કાન પણ તરસે છે
પાનું ફેરવવાના અવાજને !
નાક તો ક્યારનું રિસાઇને બેઠું છે,
પહેલી વાર ઉઘડતા પાનાની
શાહીની સુગંધ વગર !

પીડા, પ્રસન્નતા,
આનંદ , ક્રોધ,
વિરોધ, લાચારી,
ઇર્ષા, અણગમો
સંમતિ -અસંમતિ વચ્ચે
મનમાં ચાલતી દલીલબાજી – for and against-
સાવ નિર્લેપ , સાક્ષીભાવ પણ નહીં !
કામનું – નકામું
ગલગલિયા કરતું , નખોરિયાં ભરતું
કેટકેટલું લઇ આવે છે એ
મારા હીંચકે, મારા હાથમાં
ઘેર બેઠા!

છાપુ જૂનું ન ચાલે
શરાબ વિષે ભલે કૈં પણ કહેતા હોય !

છાપુ કેવળ છાપુ ક્યાં છે ?
એ તો છે પંચેન્દ્રિયનો પારાવાર !