અમદાવાદઃ દેશભરમાં સ્મારકોની આસપાસના વિસ્તારમાં NOC (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ્સ) પર વિચારણા કરતી ભારત સરકારની ટોચની સંસ્થા નેશનલ મોન્યૂમેન્ટ્સ ઓથોરિટી (NMA)એ NOCને લગતા લાંબા સમયના પ્રશ્નોનું નિરાકરણ કરવા દેશવ્યાપી ઝુંબેશ આદરી છે.
સંસ્થાના ચેરમેન તરુણ વિજયે આ ઝુંબેશની આગેવાની લીધી છે. એમણે અમદાવાદની મુલાકાત લીધી હતી અને હાઈ સ્પીડ રેલવે (બુલેટ ટ્રેન) માટેની NOCને સ્થળ પર જ સમીક્ષા કરીને મંજૂરી આપી દીધી હતી. ઝૂલતા મિનારા પર આ યોજનાથી સંભવિત અસર અંગેની અમુક શંકાઓ દૂર થતાં અને અવાજની અસર તથા વાઈબ્રેશનની સમીક્ષાથી સંતુષ્ટ થયા બાદ એમણે તરત જ યોજના માટે NOC આપી દીધી હતી.
તરુણ વિજયે આ ઉપરાંત અમદાવાદમાં સ્વામી અખંડાનંદ આયુર્વેદિક હોસ્પિટલ સ્થળની પણ મુલાકાત લીધી હતી અને તેને માટે પણ એનઓસી આપી દીધી હતી. બિનજરૂરી ફાઈલ વર્ક દ્વારા આ યોજનાને વિલંબમાં નાખવા બદલ એમણે અધિકારીઓને આકરો ઠપકો આપ્યો હતો.