સિંહની સતામણી કરનારને 7 વર્ષ જેલ-દંડની સજા થશે

ગાંધીનગર- રાજ્યમાં ગીર જંગલમાં વસતાં એશિયાટિક સિંહો દેશભરનું ગૌરવ છે ત્યારે તાજેતરમાં સિંહોની પજવણીના મામલાઓ સામે આતાં રાજ્ય સરકાર દ્વારા એવી પજવણી કરનારાઓને જેલની સજા અને દંડની જોગવાઇ કરવામાં આવી છે.વનપ્રધાન ગણપતસિંહ વસાવાએ બોલાવેલી પ્રેસમાં આ જાહેરાત કરવામાં આવી હતી. હવેથી સિંહોની પજવણી કરનારને સાત વર્ષની જેલ અને દંડની સજા કરવામાં આવશે. સિંહોના પરિભ્રમણના તમામ વિસ્તારોમાં આ જોગવાઇ લાગુ પાડવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે સિંહોને કારની આગળ આગળ દોડાવવાનો અને મરઘીને લાલચ આપી હેરાનગતિ કરાયાંના વિડીયો વાઇરલ થયાં હતાં જેને લઇને સિંહપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને રાજ્ય સરકાર દ્વારા આવા તત્વોને ડામવા માટે કડક પગલાં ભરવાની માગણી ઊઠી હતી.

આ સંદર્ભે મળેલી સમીક્ષા બેઠકમાં આ મુજબના નિર્ણયો લેવામાં આવ્યાં હતાં…
 

(1) અમરેલી અને ભાવનગર જિલ્લામાં 109 ચોરસ કિલોમીટર જેટલા સિંહોના રહેઠાણ-અવરજવરવાળા જંગલ અને સરકારી પડતર વિસ્તારને કન્ઝર્વેશન રીઝર્વ તરીકે જાહેર કરવામાં આવશે.
(2) હાલમાં સિંહોનો રહેઠાણ વિસ્તાર વન વિભાગના 3 વર્તુળો(1) વન્યપ્રાણી વર્તુળ જૂનાગઢ,(2) જૂનાગઢ ક્ષેત્રીય વર્તુળ અને (3) રાજકોટ વર્તુળ હેઠળ છે. આમાં ફેરફાર કરીને સિંહોના રહેઠાણનો તમામ વિસ્તાર વન્યપ્રાણી વર્તુળ, જૂનાગઢ હેઠળ લાવવામાં આવશે
(3) ગીર અભયારણ્ય બહાર પણ રેવન્યુ અને નાનાનાના વન વિસ્તારમાં સિંહોનો કાયમી વસવાટ થયેલ છે, જેથી ગીર અભયારણ્ય બહાર જે વિસ્તારોમાં સિંહો વસવાટ કરે છે અથવા સિંહોની મુવમેન્ટ થાય છે, તે માટે સીસીએફ(મુખ્ય વનસંરક્ષક) વન્યપ્રાણી વર્તુળ, જૂનાગઢ હસ્તક અમરેલી મુખ્ય મથક ખાતે એક નવું ડિવિઝન ઉભુ કરવામાં આવશે. જેમાં અમરેલી જિલ્લાના અમરેલી, લીલીયા, કુકાવાવ, જાફરાબાદ, રાજુલા તથા ભાવનગર જિલ્લાના મહુવા, જેસર, પાલીતાણા અને તળાજા તાલુકાના વિસ્તારને આવરી લેવામાં આવશે.
(4) ગેરકાયદે લાયન શો કે સિંહોને રંઝાડવા કે વાહન દોડાવવા કે વિડિયો કલિપીંગ બનાવવાના પ્રયાસોના કિસ્સામાં આરોપીઓ સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972ની કલમ-9 હેઠળ શિકાર જેવી ગંભીર કલમ લગાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને કારણે આરોપીને 7 વર્ષની જેલની સજા થઈ શકશે.
(5) અભયારણ્ય સિવાયના સિંહના રહેઠાણ કે અવરજવરવાળા વિસ્તારોમાં નવા થાણા, નાકા અને વાયરલેસ નેટવર્ક ઉભું કરવામાં આવશે.
(6) અભયારણ્ય સિવાયના સિંહના રહેઠાણ કે અવરજવરવાળા વિસ્તારમાં વન્યપ્રાણી મિત્રો તેમજ ટ્રેકર્સની નિમણૂક કરવામાં આવશે. તથા સેન્ચુતી વિસ્તારની માફક તાલીમ આપી તેમને ટ્રેકર તરીકે તૈયાર કરવામાં આવશે.
(7) સિંહ સંરક્ષણ સાથે સીધી રીતે સંકળાયેલ ક્ષેત્રીય અધિકારીઓને વધુ સગવડ આપવામાં આવશે.
(8) પોલીસ ખાતાની માફક વન વિભાગમાં પણ બાતમીદારોની પ્રથા ચાલુ કરવામાં આવશે કે જેથી ગેરકાયદે લાયન શો અંગેની વિગતો ત્વરિત મળી શકે.
(9) સ્થાનિક લોકોમાં સિંહ સંરક્ષણ પ્રત્યે જાગૃતિ કેળવવા અંગે વિવિધ પ્રકારની કામગીરી કરવામાં આવશે.
(10) બૃહદ ગીર વિસ્તારમાં નેચર એજ્યુકેશન કેમ્પ પર વધુ ભાર મુકવામાં આવશે.
(11 રાજ્ય સ્તરે વનપ્રધાનના અધ્યક્ષસ્થાને સિંહોના સંરક્ષણ માટે સ્ટીંયરીંગ કમિટીનું ગઠન કરવામાં આવશે.
(12) જિલ્લા સ્તરે કલેકટરના અધ્યક્ષસ્થાને મોનિટરિંગ કમિટીનું ગઠન કરવામાં આવશે.