સાહિત્યકાર દિનકર જોષીને ‘દર્શક એવોર્ડ’ એનાયત

અમદાવાદઃ ગુજરાતી સાહિત્ય પરિષદના રા.વિ. પાઠક સભાગૃહમાં ગત 15મી નવેમ્બરના રોજ ‘પ્રયાસ’ સંસ્થાને ગ્રામોત્થાન માટે અને સુપ્રસિધ્ધ સાહિત્યકાર દિનકર જોષીને સાહિત્ય સર્જન માટે ‘દર્શક એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમના પ્રારંભે “ચરણ આપના જ્યાં બિરાજે…” એ મૂળ રવીન્દ્રનાથ ટાગોરની જુગતરામ દવે દ્વારા ગુજરાતીમાં અનુવાદ કરાયેલી રચના ભદ્રાબહેન સવાઈએ ગાઈ સંભળાવી હતી.

કાર્યક્રમના સંચાલનનો દોર જાણીતા કેળવણીકાર અને સાહિત્યકાર મનસુખ સલ્લાએ સંભાળ્યો હતો.

મનુભાઈ પંચોળી – “દર્શક” 75 વર્ષના થયા ત્યારે દર્શક ફાઉન્ડેશનની રચના કરવામાં આવી હતી. 1992થી દર્શક ફાઉન્ડેશનનો પ્રારંભ થયો હતો. શિક્ષણ, સાહિત્ય અને ગ્રામ પુનર્રચના એ “દર્શક”નાં ત્રણ પ્રિય ક્ષેત્રોમાં એવોર્ડ અપાવાનું શરૂ થયું.

અત્યાર સુધીમાં સાહિત્ય માટે નારાયણ દેસાઈ, રઘુવીર ચૌધરી, ધીરુબહેન પટેલ, ભગવતીકુમાર શર્મા, જોસેફ મેકવાન તથા અન્યોને આ એવોર્ડ એનાયત કરવામાં આવી ચૂક્યો છે.

કૃષ્ણ અને ગાંધીજી મહત્વના વિષય

આ પ્રસંગે મહેન્દ્રસિંહ પરમારે દિનકર જોષીનો ટૂંકો પરિચય આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે 86 વર્ષના દિનકરભાઈના 186 પુસ્તકો પ્રગટ થયાં છે. તેમણે જીવનના જુદા જુદા તબક્કે એકલતા દૂર કરવા લખતા રહ્યા, જીવન સંઘર્ષને સમજવા લખતા રહ્યા અને જાત સાથેનો સંવાદ કરવા પણ લખતા રહ્યા છે. કૃષ્ણ અને ગાંધીજી એમના મનગમતા વિષયો છે. જીવનચરિત્રાત્મક નવલકથાઓમાં એમનું મોટું પ્રદાન છે. કોઈ લેખકની કૃતિઓના 11 ભાષામાં અનુવાદ થયા હોય તેવું ભાગ્યે જ બન્યું હશે. દિનકરભાઈ આવા સિધ્ધહસ્ત લેખક છે.

આ પ્રસંગે શિરીષ પંચાલ, મધુકરભાઈ, રઘુવીર ચૌધરી, પ્રકાશ ન. શાહ, વગેરે મહાનુભાવોના હસ્તે ‘દર્શક એવોર્ડ’ એનાયત થયો હતો.

દિનકરભાઈએ એવોર્ડ સ્વીકારતી વખતે પોતાના પ્રતિભાવમાં સુંદર વાતો કરી. તેમણે કહ્યું હતું કે, ‘આપણા દ્વારા થતું દરેક કાર્ય માત્ર આપણા દ્વારા જ થાય છે એવું માનવું નહીં. પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અનેક લોકોની સામેલગીરી અને સહાયથી જ કાર્ય થતું હોય છે. “આ મારી કૃતિ છે” એવું કહેવું એ આંશિક સત્ય છે.’

‘પ્રયાસ’ સંસ્થા વતી એવોર્ડ સ્વીકારતાં ભારતીબહેને કહ્યું હતું કે, ‘સ્વયંસેવકો, દાતાઓ, જૂના નવા ટ્રસ્ટીઓ વતી અમે આ એવોર્ડ સ્વીકારીએ છીએ. અમારા કાર્યમાં અસંખ્ય લોકોનો પ્રેમ છે. આ એવોર્ડ સ્વીકારીએ છીએ ત્યારે ખબર છે કે તેમાં પ્રભુના પ્રેમનો સ્પર્શ છે.’

શિરીષભાઈ પંચાલે આ પ્રસંગે કહ્યું હતું કે દિનકરભાઈની ‘પ્રકાશનો પડછાયો’ નવલકથા ભવિષ્યમાં પ્રશિષ્ટ કૃતિ તરીકે ઓળખાશે.

તેમણે ‘પ્રયાસ’ સંસ્થાની વાત કરતાં કહ્યું હતું કે આ સંસ્થા તો યુનિવર્સિટીની ગરજ સારે છે. આ સંસ્થાએ સામાન્ય લોકોને અસામાન્ય બનાવ્યા છે.

અજયભાઈ રાવલે આભારવિધિ કરી હતી.